રાજકોટ ભાજપમાં ભડકો : કોર્પોરેટર ડો.નેહલ શુક્લને બરતરફ કરવા પત્ર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ફેબ્રુઆરી 2026  |   2277

ગાંધીનગર રાજકોટ ભાજપમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ હવે ખૂલીને બહાર આવી ગયો છે. ભાજપ શાસિત રાજકોટ મહાપાલિકામાં ભાજપના જ કોર્પોરેટરને બરતરફ કરવા માટે મ્યુનિ. કમિશનરને પત્ર દરખાસ્ત મૂકવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સત્તાધારી ભાજપમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ ખૂલીને સામે આવી ગયો છે. રાજકોટ મહાપાલિકાની ચૂંટણી ટર્મ પૂરી થવાના એક મહિના અગાઉ જ ભાજપમાં સત્તાધારી જૂથને ભીડવનાર કોર્પોરેટર ડો. નેહલ શુક્લને કોર્પોરેટર પદેથી બરતરફ કરવા માટે પક્ષના જ વિરોધી જૂથ દ્વારા ખેલ પાડવામાં આવ્યો છે. જેમાં ભાજપના જ રાજમાં ભાજપના કોર્પોરેટરને ત્રણ જનરલ બોર્ડમાં હાજર રહ્યા ન હોવાનું કહી બરતરફ કરવાની દરખાસ્ત કરવામાં આવતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૭ના ભાજપના કોર્પોરેટર ડૉ. નેહલ શુકલ સતત ત્રણ વખત ગેરહાજર રહેતા નિયમ મુજબ તેઓની સામે બરતરફની કાર્યવાહી કરવા ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયાએ મ્યુનિ.કમિશનરને પત્ર લખી માર્ગદર્શન માંગ્યું છે. તેઓ આગામી બોર્ડમાં હાજર રહી શકે કે કેમ? તેમજ કોર્પોરેટર પદેથી હટાવી શકાય કે કેમ? આ અભિપ્રાય માંગવામાં આવતા રાજકોટનું રાજકારણ ગરમાયુ છે. નગરસેવક નેહલ શુકલ ગત તા.૨૦-૯-૨૦૨૫, તા.૨૦-૧૧-૨૦૨૫ અને ૨૦-૧-૨૦૨૬ના જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા હતા. હવે તેમને ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયા દ્વારા બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી અગાઉ એટલે કે, ટર્મ પૂર્ણ થવામાં માત્ર એકાદ મહિનાનો સમયગાળો બાકી છે તેવા સમયે આ મામલે શહેરી વિકાસ વિભાગનું કમિશનર દ્વારા માર્ગદર્શન માંગવામાં આવે તેવા નિર્દેશ મળી રહ્યા છે. જાેકે આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે મીડિયાને જણાવ્યું હતું કે, નેહલ શુક્લ અમારા સિનિયર કોર્પોરેટર છે. ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા મને જાણ કરવામાં આવી છે કે, નેહલ શુક્લ ત્રણ બોર્ડમાં ગેરહાજર છે. મેં સામાન્ય સભા (જનરલ બોર્ડ)ની બુક જાેઇ તેમાં એક બોર્ડમાં નેહલ શુક્લએ રજા રિપોર્ટ મૂકેલો છે. જેથી હું એવું માનુ છું કે તેઓ બરતરફ ન થઇ શકે. ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મનપાના ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયા દ્વારા દાવો કરાયો છે કે, રજા રિપોર્ટ હોવા છતાં તેઓ ત્રણ બોર્ડમાં હાજર ન હોય તો બરતરફ થઇ શકે છે. આ અંગે ભાજપ દ્વારા પણ લીગલ અભિપ્રાય લેવામાં આવશે. ભાજપમાં કોઇ જૂથવાદ નથી. નેહલ શુક્લ અમારા કોર્પોરેટર છે. અમે તમામ કોર્પોરેટરો નેહલભાઇ સાથે છીએ. જ્યારે આ મામલે કોર્પોરેટર ડૉ. નેહલ શુકલે અધિકારી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટમાં જે લખેલું છે તેનો ખોટો અર્થઘટન કરવામાં આવ્યું છે. નેહલ શુકલે જણાવ્યું હતું કે, ઈશ્વર નો હું આભાર માનું છું કે મને સારા કામ કરવા માટે નિમિત્ત બનાવવામાં આવે છે. અધિકારીઓ બીપીએમસી એક્ટ અને જીપીએમસી એકટનો અર્થઘટન ખોટો કરી રહ્યા છે. કોર્પોરેશનની મિટિંગનો અર્થ કોર્પોરેશનની બેઠક થાય છે. એકાંતમાં ક્યાંય જનરલ બોર્ડ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. નિયમ મુજબ હું સ્ટેન્ડિંગ કમિટીની બેઠકોમાં હાજર રહ્યો છું. ઇન્ચાર્જ સેક્રેટરીએ પોતાની સેફ સાઈડ અને કોઈની સલાહ લીધા વગર જ કમિશનરને પત્ર લખ્યો હશે. બીપીએમસી એકટના પ્રથમ પેઇજમાં લખવામાં આવ્યું છે કે સળંગ છ મહિના ગેરહાજર હોય તો પણ રજા રિપોર્ટ મૂકેલો હોય તો બરતરફ ન થઈ શકે. હું મારી સમજણ મુજબ પ્રશ્નો ઉઠાવતો રહ્યો છું. ઉઠાવતો રહીશ.

વિવાદના બીજ અગાઉ રોપાઈ ચૂક્યા હતા

મહાપાલિકાના સુત્રોના જણાવ્યા પ્રમાણે નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર વચ્ચે વિવાદના બીજ પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટ મામલે રોપાયા હતા. પે એન્ડ પાર્કિંગમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવતા આડેધડ ઉઘરાણા મામલે નેહલ શુક્લએ એવું જણાવ્યું હતું કે, આ તમામના પૈસા હું જ ભરી આપીશ. આ ઉઘરાણા બંધ કરો..! ભાજપ શાસિત મહાપાલિકામાં ભાજપના જ કોર્પોરેટર દ્વારા સરેઆમ વિરોધના પગલે તેઓની સામે વિરોધી જૂથ દ્વારા હવે દાવ લેવાનું શરૂ કર્યું છે. ભાજપ દ્વારા આ જૂથવાદ નો અંત નહિ લાવવામાં આવે તો ચૂંટણી પરિણામો પર તેની અસર જાેવા મળે તો પણ નવાઈ નહિ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution