વડોદરા, તા. ૨૦

શહેરના વિકાસ માટે સૌથી મહત્વની બજેટ સભા આજરોજ મળી હતી. જેમાં મોડી સાંજે ત્રણ દિવસની ચર્ચા બાદ બજેટ મંજુર પણ કરવામાં આવ્યું હતું. પરંતુ શહેરના વિકાસમાં કાઉન્સિલર્સને રસ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બજેટ સભાના છેલ્લા સેશનમાં અનેક કાઉન્સિલર મોબાઈલ ઉપર વાતો કરતા તેમજ વિડીયો જાેતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મતદારો દ્વારા શહેરના વિકાસ માટે જયારે કાઉન્સિલર્સને ચૂંટવામાં આવ્યા છે. તો પછી બજેટની મહત્વની સભામાં શહેરના વિકાસ કરતા વધારે મહત્વનું મોબાઈલમાં શું જાેવાઈ રહ્યું હતું તે પણ એક મહત્વનો પ્રશ્ન છે.

વડોદરા કોર્પોરેશનના વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટને મંજુર કરતા પહેલા બજેટ સભા બોલાવવામાં આવી હતી. ત્રણ દિવસની ચર્ચા બાદ આજરોજ સભામાં સર્વાનુમતે બજેટ મંજુર પણ કરવામાં આવ્યું હતું. આ બજેટ જ શહેરના વિકાસની દિશા અને ગતિ નક્કી કરે છે. ત્યારે શહેરના વિકાસની દિશા અને ગતિ નક્કી કરવામાં સત્તાધારી પક્ષના કાઉન્સિલર્સને રસ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બજેટની સભાના અંતિમ સેશનમાં દંડક શૈલેષ પાટીલ, પૂર્વ સ્થાયી ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, કાઉન્સિલર શ્વેતા ઉત્તેકર, હેમીશા ઠક્કર સહિત અનેક મહિલા અને પુરુષ કાઉન્સિલર્સ મોબાઈલ ઉપર વાતો કરતા અથવા તો વિડીયો જાેતા નજરે પડ્યા હતા. જે જાેતા લાગે છે કે, તેમને શહેરના વિકાસમાં કોઈ રસ નથી. બજેટની સભામાં પોતાના વિસ્તારમાં શું વિકાસ થવાનો છે કે શું વિકાસ કરવા જેવો છે તે અંગે ધ્યાન આપવાનું હોય છે કે પછી રજૂઆત કરવાની હોય છે. પરંતુ શિસ્તમાં માનનાર સત્તાધારી ભાજપના જ કાઉન્સિલર્સની શિસ્ત કેટલી તે દ્રશ્યો ઉપરથી જાેઈ શકાય છે.