અનલૉકમાં સરકારની ભેદભાવભરી નીતિ સામે કલાકારોમાં રોષ ઃ દેખાવો

વડોદરા, તા.૪ રાજ્ય સરકાર દ્વારા એક તરફ લગ્નપ્રસંગો માટે ૨૦૦ વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે પરંતુ બીજી તરફ ડીજે તેમજ ઓરકેસ્ટ્રા કે કલાકારોના કાર્યક્રમો માટે કોઈ મંજૂરી આપવામાં નહીં આવતાં કલાકારોમાં રોષ વ્યાપ્યો છે. આજે શહેરના ટાઉનહોલ ગાંધી નગરગૃહ ખાતે ૩૦૦થી વધુ કલાકારો એકઠા થયા હતા અને સરકારની અનલૉકમાં બેવડી તેમજ ભેદભાવભરી નીતિ સામે વિરોધ પ્રદર્શિત કરીને દેખાવો યોજ્યા હતા. શહેરના સાઉન્ડ, લાઈટ સિસ્ટમ, ઓરકેસ્ટ્રા તેમજ કલાજગત સાથે સંકળાયેલા કલાકારોએ કહ્યું હતું કે, લૉકડાઉન બાદ છેલ્લા ૮ મહિનાથી કલાકારોની આવક બંધ થઈ ગઈ છે. ત્યારે સરકાર કલાકારોને મદદ કરવાને બદલે હેરાન થાય તેવા પ્રયત્નો કરી રહી છે. અનલૉક-૫માં મોટાભાગના નાના-મોટા વ્યવસાયોને છૂટ આપવામાં આવી છે. લગ્ન-મરણ જેવા શુભ-અશુભ પ્રસંગોમાં પણ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. પરંતુ હજુ શુભ-અશુભ પ્રસંગોમા મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ છે. સરકારની આ બેવડીનીતિ સામે નાછૂટકે અમારે આંદોલન કરવાની ફરજ પડી છે. કલાકારોના આંદોલનમાં ઉપસ્થિત રહેલા જાણીતા સિંગર વત્સલા પાટીલે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં અન્ય લોકોની જેમ સિંગર, મ્યુઝિશિયન્સ તેમજ સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલા તમામની હાલત કફોડી બની છે.