વડોદરા, તા.૭

રાજ્ય સરકારમાં મંત્રીમંડળ બદલાયા બાદ રાજ્યકક્ષાના ગૃહ મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવેલા મંત્રી હર્ષ સંઘવીની જનઆશીર્વાદ યાત્રાનું આયોજન વડોદરા શહેર ભાજપ દ્વારા અકોટા વિધાનસભા મત વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. યાત્રાનું ઠેર ઠેર ભાજપના કાર્યકરો, વિવિધ મંડળો, સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જાે કે, યાત્રા દરમિયાન અનેક સ્થળે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડતા તેમજ યાત્રા દરમિયાન નેતાઓ માસ્ક વગર જાેવા મળ્યા હતા.

વડોદરા શહેર ભાજપા દ્વારા આજે અકોટા વિધાનસભા વિસ્તારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જનઆશીર્વાદ યાત્રા યોજાઈ હતી. કીર્તિ સ્તંભથી શરૂ થયેલ યાત્રાના રૂટ પર સ્વાગત માટે ભાજપા દ્વારા મોટા સ્ટેજ અને હોર્ડિંગ્સ તેમજ ડી.જે. લગાડવામાં આવ્યા હતા. યાત્રા રાજમહેલ રોડ, ભગતસિંહ ચોક, પથ્થરગેટ, જયરત્ન બિલ્ડિંગ, બગીખાના, પેલેસ મેઈન ગેટ, પોલીસ ભવન, જેતલપુર બ્રિજ, પ્રોક્ટવિટી રોડ, મુજમહુડા, શિવાજી ચોક, અટલાદરા બ્રિજ, બીએપીએસ મંદિર, સનફાર્મા રોડ, ગોકુલ પાર્ટીપ્લોટ થઈ ઈસ્કોન મંદિર ખાતે સમાપન થયું હતું. યાત્રાના માર્ગ ઉપર ભાજપાના કાર્યકરો, વિવિધ વેપારીમંડળો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓએ ઢોલ-નગારા આતશબાજી સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું. જાે કે, યાત્રામાં અનેક સ્થળે ટોળેટોળા એકઠાં થતાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડયા હતા અને માસ્ક પહેર્યા વગર ભાજપાના અનેક નેતાઓ, અગ્રણીઓ રેલીમાં જાેડાયેલા જાેવા મળ્યા હતા.