પ્રયાગરાજ-

મુસ્લિમ આગેવાન અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમ સ્ટુડન્ટ પોલિટિક્સમાં પણ ઝંપલાવશે. ઓવૈસીની પાર્ટીએ આ માટે યુપી પર પસંદગી ઉતારી છે.

ઉલ્લેખનીય છે કે, દેશની ઘણી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજાતી હોય છે. આ ચૂંટણીમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એબીવીપી તેમજ એનએસયુઆઇ ઝુકાવતી આવી છે. ડાબેરી પક્ષોના સ્ટુડન્ટ યુનિયન પણ સ્ટુડન્ટ પોલિટિક્સમાં સક્રિય છે. હવે ઓવૈસીની પાર્ટીએ અલ્હાબાદ યુનિવર્સિટીમાં યોજાનારી ચૂંટણી લડવાનુ નક્કી કર્યુ છે. યુવાઓ વચ્ચે પાર્ટીનો પ્રભાવ વધારવા માટે આ ર્નિણય લેવાયો હોવાનુ પાર્ટીના નેતાઓનુ કહેવુ છે. આ માટે એઆઇએમઆઇએમની સ્ટુડન્ટ વિંગ પણ બનાવાઈ છે અને અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીને તેનો પ્રમુખ પણ બનાવાયો છે. સ્ટુડન્ટ વિંગના સભ્ય બનાવવાનુ અભિયાન પણ શરુ કરી દેવામાં આવ્યુ છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે, યુનિવર્સિટીમાં તમામ પોસ્ટ માટે ઉમેદવારો ઉતારવામાં આવશે.