ઇસ્લામાંબાદ-

પાકિસ્તાનની એક કોર્ટમાં કોરોના ફેલાવવાને લઈ અમેરિકા વિરૂદ્ધ 20 અબજ ડોલરનો કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે સ્થાનિક યુવકની આ પ્રકારની અરજીને લઈ ઈસ્લામાબાદ ખાતેના અમેરિકી ઉચ્ચાયોગ, લાહોરમાં અમેરિકી મહાવાણિજ્ય અને વિદેશ મંત્રાલયને નોટિસ મોકલી છે.

અરજીકર્તા રજા અલી પોતે કોરોનાથી સંક્રમિત છે અને બુધવારે તેમણે લાહોર કોર્ટમાં અરજી કરીને અમેરિકા પાસેથી પોતાને થયેલા નુકસાનની ભરપાઈ પેટે આ રકમ માંગી છે. સાથે જ અરજીમાં પાકિસ્તાનમાં કોરોના મહામારી ફેલાવા માટે અમેરિકા જવાબદાર છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.

સિવિલ જજ કામરાન કારામતે આ અરજીના અનુસંધાને ઈસ્લામાબાદના અમેરિકી ઉચ્ચાયોગ, લાહોરમાં અમેરિકી મહાવાણિજ્ય, અમેરિકી સંરક્ષણ સચિવ અને વિદેશ મંત્રાલયને સાતમી ઓગષ્ટ સુધીમાં જવાબ આપવા નોટિસ પાઠવી છે. હવે આગામી ૭ ઓગષ્ટના રોજ કોર્ટ આ મામલે સુનાવણી હાથ ધરશે.