ઇસ્લામાબાદ-

શ્રીલંકાના બુરખા પ્રતિબંધ કાયદાની જાહેરાતને લઇ પાકિસ્તાની હાઇકમિશનએ કડક વાંધો ઉઠાવ્યો છે. શ્રીલંકામાં પાકિસ્તાનના હાઇ કમિશનરે કહ્યું છે કે આનાથી શ્રીલંકા અને વિશ્વના મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચશે. વિરોધ કરવાની સાથે સાથે પાકિસ્તાને શ્રીલંકાને ઇશારામાં ધમકી પણ આપી દીધી હતી.

બુરખા પર પ્રતિબંધ સાથે જાેડાયેલા એક સમાચારને ટ્‌વીટ કરતાં શ્રીલંકામાં પાકિસ્તાની હાઇકમિશન સાદ ખટ્ટાકે કહ્યું કે બુરખા પર પ્રતિબંધથી શ્રીલંકા અને દુનિયાભરના મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચશે. કોરોના મહામારીના લીધે શ્રીલંકા પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓમાં ઘેરાયેલ છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ શ્રીલંકાને પોતાની છબીને લઇ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયમાં આર્થિક મુશ્કેલીઓ છતાંય સુરક્ષાના નામ પર આ પ્રકારના વિભાજનકારી પગલાં ઉઠાવાથી દેશમાં લઘુમતીઓના માનવાધિકારોને લઇ પ્રશ્ન વધુ વકરશે.

શ્રીલંકાના પબ્લિક સિક્યોરિટી મિનિસ્ટરે ત્રણ દિવસ પહેલાં જ સરકારના બુરખા પર પ્રતિબંધ લગાવાના ર્નિણય અંગે માહિતી આપી હતી. આ પગલાંને લઇ આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી સૌથી પહેલાં પાકિસ્તાનની જ પ્રતિક્રિયા આવી છે. ખટ્ટાકે આંતરરાષ્ટ્રી મંચ પર શ્રીલંકાની છબીને લઇ પડકારોનો ઉલ્લેખ કર્યો. વાત એમ છે કે સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં એક સપ્તાહ બાદ શ્રીલંકાના માનવાધિકાર રેકોર્ડને લઇ સુનવણી થવાની છે જેમાં સભ્ય દેશ વોટિંગમાં પણ ભાગ લેશે. સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાન પણ સભ્ય છે અને પાકિસ્તાની હાઇકમિશનનો ઇશારો તેની તરફ હતો.