બિલ્ડર રામાણી બ્રધર્સ વિરુદ્ધ ભાગીદારે 48 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2020  |   990

અમદાવાદ-

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ગેલેક્સી હોમ્સ, ગેલેક્સી ઇન્ટરસિટી સહિતના પ્રોજેક્ટના ભાગીદાર બિલ્ડર રામાણી બ્રધર્સ સામે તેમના ભાગીદાર હેમાંગ ભટ્ટે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ રામાણી બ્રધર્સએ વર્ષ ૨૦૦૮થી આજ દિન સુધીમાં અલગ-અલગ ફ્લેટના પ્રોજેકટ સાઈટ પર ફ્લેટોના વેચાણની કિંમત અને દસ્તાવેજની રકમ અલગ બતાવી રૂ. ૪૮ કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી.

પરિવારના સભ્યોને પેઢીમાં ક્લાર્ક, અધિકારી અને કર્મચારી બતાવી અને પગાર ચૂકવી પૈસાની ઉચાપત પણ કરી હતી. આરોપી ધર્મેશ મગન રામાણીએ તેમને મળેલા પાવરનો ભાગીદારી પેઢીમાં નવા બંધારણ બાદ ગેરકાયદેસર ઉપયોગ કરી જે પણ ફ્લેટ બન્યા છે તેના વેચાણ દસ્તાવેજાે કરી નાખ્યા હતા. નિકોલ પોલીસે કોર્ટના આદેશ બાદ રામાણી બ્રધર્સ અને તેમના પરિવારના સભ્યો સહિત ૧૦ લોકો સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે કુલ ૪૮ કરોડની છેતરપિંડીના આક્ષેપ કરવામાં આવ્યા છે. હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ઉદય ડેવલોપર્સ નામે ભાગીદારી પેઢી ચલાવતા હતા.

આરોપીઓ ગેલેક્સી હોમ્સ, ગેલેક્સી ઇન્ટરસિટી નામની બે સાઈટ, બંને સાઈટના કાનૂની અને સ્ટેમ્પ ખર્ચ સહિત અન્ય ખર્ચમાંથી તફાવત રાખી ૩૦ કરોડ જેવી રકમ અંગત વપરાશ કરી નાખી હતી. ઉપરાંત લગ્નપ્રસંગનિયમિત અંગત ખર્ચ અને વાહનોની જાળવણીના ખર્ચના ૪.૫૩ કરોડ પણ ભાગીદારી પેઢીમાંથી જ ખર્ચ કર્યા હોવાનું બહાર આવ્યું હતું. ધર્મેશ રામાણીની પણ ૧૪ લાખની અંગત રકમ મળી કુલ ૪૮.૬૭ કરોડની છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવતા હેમાંગ ભટ્ટે કોર્ટમાં ફરિયાદ કરી હતી. બાદમાં નિકોલ પોલીસે રામાણી પરિવારના ૧૦ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution