લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ફેબ્રુઆરી 2026 |
2277
અમદાવાદ, ટુર એન્ડ ટ્રાવેલ્સની આડમાં થતા કરોડો રૂપિયાના સોનાની દાણચોરી કૌભાંડનો હાલ અમદાવાદ એરપોર્ટ પર ભાંડાફોડ થયો છે. આ મામલે અમદાવાદ એરપોર્ટ પર હાલ ૪ મહિલાઓની અટકાયત કરાઈ છે, જેઓની પૂછપરછમાં આ કૌભાંડમાં મદીનાથી ૧.૫૨ કરોડની ગોલ્ડ ચેન ગુજરાત પહોંચી હોવાનું અને તેનું પેમેન્ટ બનાસકાંઠાથી હવાલા નેટવર્કના માધ્યમથી થયું હોવાનું ચોંકાવનારું તથ્ય સામે આવી રહ્યું છે. આ સમગ્ર દાણચોરીના કેસની મળતી માહિતી મુજબ, એક ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી અકાસા એરની ફ્લાઈટ નંબર કયુપી ૫૬૪ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. મુસાફરોના સામાનના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને શંકાસ્પદ લાગ્યું હતું. શંકાના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે મહિલા મુસાફરોને અટકાવી તેમની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલાઓ પાસેથી સોનાની સાત ચેઈન અને સાત સોનાની બંગડીઓ મળી આવી હતી. આ અંગેની તપાસ કરતા મોટી માહિતી સામે આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, કસ્ટમ્સ અધિકારીઓની નજરથી બચવા માટે સોનાના આ દાગીનાઓ પર રોડિયમનું કોટિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જ્યારે તેની ચોકસાઈ કરી ત્યારે ૯૪૫.૫૭ ગ્રામ વજનનું સોનું હોવાનું જણાયું હતું. જેની બજાર કિંમત ૧.૫૨ કરોડ રૂપિયા થાય છે. બાદમાં તેમની એરપોર્ટ પર જ તાત્કાલિક ધોરણે અટકાયત કરી તેમની કડકાઈથી પૂછપરછ હાથ ધરાઈ હતી, ત્યારે તેમની પૂછપરછમાં આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને તેઓએ આ ગોલ્ડ ચેન ક્યાંથી આવી તે અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. મહિલાઓની ત્યારે પૂછપરછ કરાઈ ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ સોનું તેમની સાથે મુસાફરી કરી રહેલા એક ટ્રાવેલ એજન્ટે આપ્યું હતું. એરપોર્ટ પર પકડેલા આ આરોપીઓની પૂછપરછ કરતા તેમને કબૂલ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલી આ રૂ. ૧.૫૨ કરોડની ગોલ્ડ ચેન મોહમ્મદ અશરફ નામના વ્યક્તિને ખાડી દેશ (ગલ્ફ કન્ટ્રી) સાઉદી અરેબિયાના મદીના શહેર ખાતેથી જિયાઉદ્દીન નામના શખ્શે આપી હતી. બાદમાં આ ગોલ્ડનું પેમેન્ટ બનાસકાંઠાના પાલનપુરથી હવાલા નેટવર્કના માધ્યમથી થયું હતું. આટલું જ નહીં, મદીનાથી આવેલી રૂ. ૧.૫૨ કરોડની ગોલ્ડ ચેનના કેસમાં મોહમ્મદ અશરફ નામના વ્યક્તિ બનાસકાંઠાના પાલનપુરની અલ મદીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે જાેડાયેલો હોવાનું પણ આ કેસની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે પકડાયેલી મહિલાઓને આધારે આ મસમોટા કૌભાંડનો ખુલાસો થતા હાલ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.