વડોદરા, તા.૧૬

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા મોટાભાગના કામો સમયમર્યાદામાં પૂરા થતા નથી અને કોઈને કોઈ કારણોસર વિલંબથી થતા કામો સંદર્ભે કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી પણ થતી નથી. ત્યારે મ્યુનિ. કમિશનરે પાલિકાના વિવિધ વિભાગોમાં ચાલતા કામોની સમીક્ષા કરી સમયસર કામ પૂરું નહીં કરનારા કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવાની સૂચના આપી છે, તેમજ ૪૮ કલાકમાં આવા કોન્ટ્રાક્ટરોની યાદી તૈયાર કરવા આદેશ આપ્યો છે. આમ, હવે રાજકીય આશ્રય લઈને અધિકારીઓ સાથે ગોઠવણ કરનારાઓ કોન્ટ્રાકટરો સામે નિયમનો કોરડો વિંઝાશે.

વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કરાતાં મોટા કોન્ટ્રાક્ટના કામો કે અન્ય નાના કામોમાં મોટાભાગના કામો સમયમર્યાદામાં પૂરા થતા નથી, જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો કેટલાક કિસ્સામાં પાલિકાને પણ વધુ ખર્ચ થતો હોય છે. ત્યારે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ કામોમાં થતા વિલંબની બાબતોને ગંભીરતાથી લઈને પાલિકાના વિવિધ વિભાગોના વડાઓ તેમજ અધિકારીઓ સાથે અલગ અલગ બેઠક યોજીને જે તે વિભાગ દ્વારા ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી અને કામગીરી કયા સ્ટેજ પર છે વગેરેની સંપૂર્ણ માહિતી મેળવી હોવાનું જાણવા મળે છે.

ઉપરાંત મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ શહેરને ખાડોદરા બનાવી સમયસર કામ પૂરું નહીં કરનારા કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવાની સૂચનાની સાથે આવા કોન્ટ્રાક્ટરોની યાદી ૪૮ કલાકમાં તૈયાર કરવાનો આદેશ પણ આપ્યો હોવાનું જાણવા મળે છે. મ્યુનિ. કમિશનરના આદેશને પગલે રાજકીય આશ્રય લઈને અધિકારીઓ સાથે ગોઠવણ કરીને બચતા કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓમાં ખળભળાટ મચવા સાથે ફફડાટ ફેલાયો છે. મ્યુનિ. કમિશનરના આદેશને પગલે હવે થશે, કરાશે તેમ માનીને થતા કામો હવે વર્કઓર્ડર આપ્યા બાદ સમયમર્યાદામાં પૂરા થાય તેવી શક્યતા જણાઈ રહી છે.

કા.ઈ.ની આડમાં બચતા એચઓડી પણ ફિક્સમાં મૂકાશે

મ્યુનિ. કમિશનર કોઈ કામગીરી અંગેની મિટિંગ બોલાવે તો સામાન્ય રીતે વિવિધ વિભાગો સંભાળતા એચઓડી તેમના સંબંધિત વિભાગોના કાર્યપાલક ઈજનેરને બોલાવે છે અને જવાબો કા.ઈ. આપતા હોય છે. ત્યારે મ્યુનિ. કમિશનરે મિટિંગમાં એચઓડી તમામ તૈયારી સાથે આવે અને જવાબ આપે, કા.ઈ. ના જાેઈએ તે પણ સ્પષ્ટ કીધું હોવાનું જાણવા મળે છે. આમ કામોમાં થતા વિલંબ સંદર્ભે એચઓડીનું પાણી પણ મપાઈ જશે.

એક-એક વિભાગની ફાઈલો જાેઈ કમિશનર ચોંકી ગયા

વિધાનસભા ચૂંટણી પૂરી થતાં જ પાલિકાતંત્ર ફરી ધમધમતું થયું છે. ત્યારે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સતત મિટિંગો ગુરુવાર મોડી રાત સુધી તેમજ આજે પણ સવારથી યોજીને કામગીરીનું મૂલ્યાંકન કરતાં ફાઈલો જાેઈને ચોંકી ઊઠયા હતા અને સમયસર કામો નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. મ્યુ.કમિશનરે સમય મર્યાદામાં કામગીરી નહીં કરનાર કોન્ટ્રાકટરોસામે લાલ આંખ કરતાં અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

ગેરકાયદે સ્ટોપેજ મંજૂર કરવાનો ખેલ બંધ થશે

વડોદરા કોર્પોરેશનમાં ટેન્ડરની શરતો મુજબ કોઈ કારણોસર કામ અટકે તો કોન્ટ્રાક્ટરે સંબંધિત વિભાગને સ્ટોપેજ રિપોર્ટ કારણોની સાથે આપવાનો હોય છે. પરંતુ વડોદરા કોર્પોરેશનમાં તમામ કામ પૂરું થયા બાદ સ્ટોપેજ રિપોર્ટ મુકીને મંજૂર કરવામાં આવે છે અને તે માટે અધિકારી દ્વારા ટકાવારી લેવાતી હોવાનું પણ કહેવાય છે. ત્યારે મ્યુનિ. કમિશનરના આ આદેશને પગલે ગેરકાયદે સ્ટોપેજ મંજૂર કરવાનો ખેલ પણ હવે બંધ થશે.