લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
2178
મનપાની ચૂંટણીમાં ભાજપનાં ગઢ એવા રાંદેર-અઠવા ઝોનમાં પણ ભાજપને પ્રચાર દરમિયાન મતદારોનાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નંબર ૨૨માં પુર્વ ધારાસભ્ય સાથે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ગયા હતા જ્યાં એક સોસાયટીના રહીશોએ તેમની પાસે કામગીરીનો હિસાબ માગ્યો હતો. છેલ્લા ૨૦ વર્ષથી ખોબે ખોબે મત આપે છે પણ સોસાયટીને સુવિધા અપાતી નથી અને જે સુવિધા છે તે છીનવી લેવામાં આવી છે. તેવો આક્ષેપ કરી ઉમેદવારોને મતદારોએ મુંઝવી દીધા હતાં. એવું કહીને સોસાયટીનાં ગેટ પર જ ઉમેદવારોને રોકી દીધા હતા અને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની ચીમકી પણ આપી હતી.
અઠવા ઝોનમાં ભાજપના ગઢ એવા વોર્ડ નં-૨૨માં આવેલા આર્શીવાદ વિલાના ગેટ પર જ મતદાન બહિષ્કાર સહિત ઉમેદવારોએ પ્રવેશવું નહી તેવા બોર્ડ લાગ્યા છે. ગઈકાલે ભાજપના ઉમેદવારો પુર્વ ધારાસભ્ય સાથે પ્રચાર માટે સોસાયટીમાં ગયા હતા. જ્યાં તેઓને કડવો અનુભવ થયો હતો. ગેટ પર જ સોસાયટીનાં રહીશોએ ભાજપનાં નેતાઓ પાસે કામગીરીનો હિસાબ માગ્યો હતો. ૨૫૦૦ રહેવાસીઓ ધરાવતી આ સોસાયટી છેલ્લા ૨૦ વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે. ડ્રેનેજ સિવાય કોઇ મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ટી.પી. સ્કીમમાં ફેરફારોને કારણે સોસાયટીનાં મંજૂર રોડ પણ ખાનગી ફાઇનલ પ્લોટમાં ફેરવાયા હોવાની વાત સોસાયટીનાં રહીશોએ કરી છે. સોસાયટીનાં રહીશો કહે છે, છેલ્લા ૨૦ વર્ષથી એકતરફી અને ખોબે ખોબા આપેલા મતોનાં બદલામાં ટી.પી. સ્કીમમાં અન્યાય કરી સોસાયટીને માત્ર ખોટા વચનો આપવામાં આવ્યા છે અને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી. સોસાયટી દ્વારા વર્ષ-૨૦૧૧માં આઇસીના નાણાં રૂપે ૯૬ લાખ રૂપિયા જમા કરાવાયા હતા. આમ છતાં અત્યાર સુધી માત્ર પાણીની સુવિધા મળી શકી છે. તેથી ગેટ પર બેનરમાં લખ્યું છે બેનર પર લખાયું ખોટા વાયદા આપનારા રાજકીય પક્ષો કે ઉમેદવારોએ સોસાયટીમાં પ્રવેશવું નહીં. દર વખતે ચૂંટણીમાં મળતા ખોટા વાયદાથી સોસાયટીના રહીશો કંટાળી ગયા છે અને આગામી ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો ર્નિણય કર્યો છે. જેના કારણે ગઈકાલે છેલ્લા ૨૦ વર્ષમાં આ સોસાયટીને પાલિકાએ વેરો વસુલ કર્યો છે પરંતુ કઈ સુવિધા આપી તેનો હિસાબ માગી ભાજપનાં ઉમેદવાર-નેતાઓને સોસાયટીમાં પ્રચાર કરવા દીધો ન હતો અને પરત મોકલી આપ્યા હતા.