વડોદરા, તા. ૪

સાંળગપુર મંદિરના ભીંતચિત્રોના વિવાદ બાબતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને અને બાદમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો સાથે સ્વામીનારાયણ સંતોની બેઠક થયા બાદ તેનો સુખદ અંત આવ્યો છે ત્યારે આવતીકાલે સૂર્યાસ્ત પહેલા તમામ ચિત્રો ઊતારી દેવામાં આવશે, તેવી બાંયધરી વડતાલના મુખ્ય કોઠારી દ્વારા આપવામાં આવી હતી. જાેકે, આ નિર્ણય લેવાય તે પહેલાં શહેરના પરિવાર ચાર રસ્તા પાસે આવેલી ગુરુકુળના સંત દર્શન વલ્લભ સ્વામીએ ઉશ્કેરાટમાં આવી જઈને વિવાદાસ્પદ પ્રવચન આપતો વીડિયો વાયરલ થતાં મામલો ઉગ્ર બન્યો હતો.

આ વાયરલ પ્રવચનના કારણે સનાતન ધર્મના અન્ય સંતોની લાગણી દુભાતા તેઓએ પણ વળતો જવાબ આપ્યો હતો, પરતું મામલો ઉગ્ર બને તે પહેલાં જ નિરાકરણ આવતાં રાહતનો શ્વાસ લીધો હતો.

પરિવાર ચાર રસ્તા પાસે આવેલી ગુરુકુળમાં ગત સાંજે રવિસભાનું સંંબોધન કરતી વખતે સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ ટીપ્પણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે,ગગનમાં તારા જેટલા શત્રુઓ પણ ભેગાં થઈ જાય તો પણ અમારાં સ્વામીનારાયણ ભગવાન જ સર્વોપરી છે. કોઈ પાંજી પાલવના વચનોથી દબાવું નહીં , મિત્રો આપણે કોઈથી પણ દબાવવાની જરૂર નથી. મહેરબાની કરીને સ્વામીનારાયણ સંપ્રદાયને છંછેડવાનું બંધ કરી દો. લોકો ચલમ પીને પોતાને સનાતની કહે છે અમે ચોટલી રાખીને તિલક લગાવી અને ભગવા વસ્ત્રો ધારણ કરીને સામી છાતીએ કહીએ છીએ તમારાં કરતા અમે સનાતની છીએ. આ વિવાદના કારણે ચાર દિવસ સુધી ઊંઘ નથી આવી તેવું તેમને પ્રવચનમાં ઉગ્ર સ્વરે જણાવ્યું હતું.

બીજા ધર્મનું અપમાન કરવાનું બંધ કરો, અધૂરા ઘડાની જેમ છલકાવાનું બંધ કરો

વિવાદાસ્પદ પ્રવચન બાદ ઋષિ ભારતી મહારાજે વળતા જવાબમાં જણાવ્યું હતંુ કે, બીજા ધર્મનું અપમાન કરવાનું બંધ કરો , અધૂરાં ઘડાની જેમ દર્શન સ્વામી છકાવવાનું બંધ કરો, વિવાદ ઉગ્ર બનાવવા માટે નિવેદનબાજી થાય છે. સનાતન ધર્મના સંતોને તમે ઓળખતા નથી, તમારા ચારિત્ર્ય લીલાઓની પણ ગાથા વર્ણવો, અમે પણ વિદેશમાં જઈને માર્ગદર્શન આપનાર સાધુ છીએ. તમારી તાકાત હોય તો મારી સાથે ચર્ચા કરવા આવો. હું ચર્ચામાં હારીશ તો તમારો દાસ બની જઈશ, તમે હારશો તો તમે ગુલામ બનશો?

સનાતન ધર્મના લોકો કોઈ પણ સંજાેગોમાં સામી છાતીએ લડી લેવા તૈયાર જ

ગુરુકુળના સંત દર્શન વલ્લભ સ્વામીનો વીડિયો વાયરલ થતાં ડો. જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે, સનાતન ધર્મના લોકો કોઈ પણ સંજાેગોમાં સામી છાતીએ લડી લેવા તૈયાર જ છે. સનાતન સમાજના લોકો એક થયા છે. સનાતની સૈનિકો લડવા તૈયાર જ છે. સમાજના લોકો વ્યસત બન્યા છે, પરતું આડંબરમાં નથી.