લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026 |
2376
સુરત મહાનગરપાલિકામાં બહુમતિનાં જાેરે ભાજપ શાસકોએ લીધેલા કેટલાક ર્નિણયો ચૂંટણી સમયે પક્ષ માટે આફત સાબિત થઈ રહ્યા છે. તત્કાલીન સ્થાયી સમિતિ અધ્યક્ષ અને હાલનાં શહેર પ્રમુખે ભાજપનાં કાર્યકરો અને પક્ષપલ્ટુઓનાં લાભાર્થે પાલિકાનાં પ્લોટોની લહાણી કરી હતી. જે હવે આસપાસનાં રહીશો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. આ પ્લોટોમાં ફૂડ કોર્ટ, ગેરેજ અને ગોડાઉન કાર્યરત હોવાથી સ્થાનિકો પરેશાન છે. જેનો રોષ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોએ સહન કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મોટા વરાછામાં લોકો આ પ્લોટો ક્યારે ખાલી કરાવશો, તેનો હિસાબ માંગીને ઉમેદવારોને ઘેરી રહ્યાં છે.
સુરત પાલિકાની ગત ચૂંટણીમાં ભાજપને ૯૩ બેઠકો મળી હોવા છતાં, પક્ષે ‘આપ‘નાં ૧૨ કોર્પોરેટરોને ભાજપમાં ભેળવ્યા હતા. પાલિકામાં પ્રચંડ બહુમતીને કારણે તત્કાલીન સ્થાયી સમિતિનાં અધ્યક્ષ પરેશ પટેલે ભાજપનાં કાર્યકરો અને પક્ષપલ્ટુઓને રાજી રાખવા સંખ્યાબંધ પ્લોટોની લહાણી કરી હતી. ભાજપનાં કાર્યકરોને પાલિકાનાં પ્લોટ નજીવા ભાડે ફાળવી દેવાયા હતાં, જ્યાં શેડ ઊભા કરીને ફૂડ ઝોન તથા અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ માટે પેટાભાડે આપી દેવાયા છે. મોટાભાગનાં ફૂડ ઝોન રહેણાંક વિસ્તારમાં હોવાથી અને મોડી રાત સુધી ધમધમતા હોવાથી સ્થાનિકો માટે ન્યુસન્સ બનવા સાથે માથાનો દુખાવો બની ગયા છે. આ મુદ્દે સ્થાનીકો દ્વારા મનપા કચેરી અને શાસકો સામે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. હવે જ્યારે મોટા વરાછા વિસ્તારમાં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે જઈ રહ્યા છે, ત્યારે લોકો પ્લોટના કારણે પડતી મુશ્કેલીઓની ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે અને પ્લોટની ફાળવણી રદ થશે કે નહીં તેવા અણીયારા પ્રશ્નો પૂછી રહ્યા છે. ઉમેદવારો પાસે આનો કોઈ સ્પષ્ટ જવાબ ન હોવાથી તેમની હાલત કફોડી થઈ રહી છે. ભાજપ શાસકોએ બહુમતિનાં જાેરે ‘દલા તરવાડી‘ જેવો વહિવટ કરી શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં પ્લોટ ફાળવીને લોકો માટે આફત ઊભી કરી દીધી છે. હવે સંગઠનમાં અનુભવનો અભાવ અને નબળી ટીમના કારણે ઉમેદવારો મતદારોના પ્રશ્નો સામે લાચાર જણાતા હોવાથી મૌન સેવી રહ્યા છે.