ન્યુ દિલ્હી,તા.૯

કોરોનાની બીમારી અને તેના પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં આર્થિક રીતે આમ જનતા પરેશાન છે ત્યારે કેન્દ્ર સરકારે તેના ખિસ્સા પર વધુ કાતર મૂકી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે ક્રમશઃ ૧.૭૪ રૂપિયા અને ૧.૭૮ રૂપિયાનો વધારો ઝીંક્યો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે સતત ત્રીજા દિવસે વધારો નોંધાયો છે. આ અગાઉ પાટનગર દિલ્હીમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર ૧.૨૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. મંગળવારના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ૫૪ પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ૫૮ પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૧.૭૪ રૂપિયા અને ડીઝલની ભાવમાં પ્રતિ લીટર ૧.૭૮ રૂપિયાનો વધારો નોંધાયો છે. આતંરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં આવેલા જારદાર ઉછાળાના કારણે તેલની કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે. દિલ્હીમાં મંગળવારના રોજ પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લીટર ૭૩.૦૦ રૂપિયા અને ડીઝલનો નવો ભાવ પ્રતિ લીટર ૭૧.૧૭ રૂપિયા થઈ ગયો છે.

નોંધનીય છે કે આતંરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતો જે રીતે ઘટી છે તે જાતાં તેનો ફાયદો ઉપાડવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલની ઉત્પાદ કિંમતોમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો અને બાદમાં આ ફેરફાર અટકાવ્યા હતા કારણકે પેટ્રોલ ડિઝલની માગમાં વધારો અટક્યો હતો.