ગાંધીનગર-

ગાંધીનગર શહેરમાં નવા સચિવાલય સંકુલમાં સલામતી શાખામાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટરે પોતાની સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કરી છે. બ્લોક નંબર 2ની સામે આવેલા પાર્કિંગમાં પોતાની ક્રેટા ગાડીમાં જ આત્મહત્યા કરી હતી. આ બનાવને લઇને જિલ્લા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સલામતી શાખામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રિતેશ જયંતીભાઈ પટેલ પોતાની નિયમિત ફરજ પર સચિવાલય સંકુલમાં પહોંચ્યા હતા. તે દરમિયાન મોડી રાત્રે ફરજ પૂરી કરીને ઘરે પહોંચ્યા ન હતા. તેથી પરિવારજનો ચિંતામા હતા અને તેમના ફોન ઉપર સતત સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતાં. પરંતુ ફોન રિસિવ થયો નહતો. તેથી તેમના પરિવારજનો તેમને શોધવા માટે સચિવાલય સંકુલ પહોંચ્યા હતા. 

જ્યારે તેમની ક્રેટા કાર નવા સચિવાલયના બ્લોક નંબર 2 સામેના પાર્કિંગમાં પડી હતી. ત્યાં પરિવારજનો પહોંચ્યા અને જોયું તો તે લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાની કારમાં જ PI પ્રિતેશ પટેલ મૃત હાલતમાં હતા. ત્યારે જ આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને કરવામાં આવી હતી અને મોડી રાત્રે સમગ્ર પ્રક્રિયાને હાથ ધરી હતી. બીજી તરફ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. છેલ્લા 8 મહિનામાં સલામતી શાખાના બીજા કર્મચારીએ મોતને વ્હાલું કર્યું છે. 

ગાંધીનગર નવા સચિવાલય સંકુલમાં સલામતી શાખામાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટરે પોતાની સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.