વડોદરા, તા.૮

વડોદરા શહેરમાં સમાવિષ્ટ થયેલા કપુરાઈ ગામમાં ડ્રેનેજમિશ્રિત દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહીશો આજે મોરચો લઈને પાલિકાની વહીવટી વોર્ડ નંબર-૧૨ની કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓની ગેરહાજરીના પગલે કચેરીમાં જ ધરણાં યોજી પાલિકાતંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરા શહેર યુવા કોંગ્રેસના નેજા હેઠળ કપુરાઈ ગામના વૈરાગીનગર - બજાણિયા વાસ તથા રાઠોડ વાસના રહીશોએ દૂષિત પાણીની સમસ્યા અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં આજે સ્થાનિક રહીશોનો મોરચો દૂષિત પાણીની સમસ્યા મુદ્દે કોર્પોરેશનની વહીવટી કચેરી વોર્ડ નંબર-૧૨ ખાતે પહોંચ્યો હતો. છેલ્લા ૨૦ દિવસથી દૂષિત પાણીનો ઉપયોગ કરતા સ્થાનિકોએ દૂષિત પાણી બોટલમાં ભરી લાવી અધિકારીઓને પીવડાવવાની માગ કરી હતી. પીવાનું પાણી ડ્રેનેજમિશ્રિત આવતું હોવાની ફરિયાદો પાલિકાના અધિકારીઓ સાંભળતા નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા. કચેરી ખાતે કોઈ જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત ન હોવાથી રહીશોનો આક્રોશ વધુ ઉગ્ર બન્યો હતો અને કચેરીમાં જ ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો હતો અને પાણીની સમસ્યાનું વહેલીતકે નિરાકણ લાવવાની માગ કરી હતી.