પીપળી ગ્રા. પં.ની ગ્રામસભામાં ૫ીએમ સીધો સંવાદ કરશે
02, ઓક્ટોબર 2021 297   |  

બનાસકાંઠા આવતીકાલે ૨ ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની ૧૪૨૫૦ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન થવાનું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. આ જાણ થતાં જ પીપળી ગામ સહિત સમગ્ર પંથકમાં ગર્વની સાથે ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.આવતીકાલે ૨ ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જયંતિ પ્રસંગે રાજ્યભરમાં સફાઇ અભિયાન સહિત રાજ્યની ૧૪૨૫૦ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરવાના છે. વડાપ્રધાન સવારે ૧૦ થી ૧૧ કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને તેનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થશે. પંચાયત- ગ્રામવિકાસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨ ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે પ્રધાનમંત્રી ઓનલાઈન પીપળી ગામના લોકો સાથે સંવાદ કરશે. આ કારણે હાલ નાનકડુ એવુ પીપળી ગામ સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યુ છે. જેને લઈને પીપળી ગામના લોકો સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશી ફેલાઈ છે. પાલનપુરનું પીંપળી ગામ દેશનું પ્રથમ ‘નિરોગી’ ગામ બન્યું છે. નળ, ગટર, રસ્તા અને સફાઇમાં અવ્વલ છે. ગામમાં ૧૦૦ ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી, આ ગામમાં એકપણ ખુલ્લી ગટર નથી, જેથી મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહિવત્‌ જેટલો છે.આ વિશે પીપળી ગામના સરપંચ રમેશભાઈ પટેલે જણાવ્યું કે, અમારા ગામમાં નલ સે જલ સ્વચ્છતા સહિતની તમામ સુવિધાઓને ધ્યાને લઇ પ્રધાનમંત્રીના સીધા સંવાદમાં અમારા ગામની પસંદગી થઈ છે. ગામના સ્થાનિક કાર્તિભારથી ગોસ્વામીએ જણાવ્યું કે, અમારા ગામ સાથે ગાંધી જયંતિના દિવસે મોદીજી સીધો સંવાદ કરવાના છે, જેની અમને ખૂબ ખુશી છે. તો અન્ય એક સ્થાનિક રોહિત ચોધરીએ કહ્યું કે, પ્રધાનમંત્રી અમારી ગ્રામ પંચાયત સાથે સીધો સંવાદ કરશે તેવી વાત મળતા જ ગામમાં દિવાળી જેવો માહોલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution