વરાછામાં ઉમેદવારોની પસંદગીનો અસંતોષ ખાળવા મોટા સૌરાષ્ટ્રવાસી નેતાઓને મેદાનમાં ઉતારવાની યોજના
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026  |   સુરત   |   3168

૧૦મી એપ્રિલે મોડી રાતે સુરત મહાનગરપાલિકાનાં ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી ભાજપમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી જ્યાં પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહી છે એવા વિસ્તારમાં ભાજપને આ વખતે પણ નુકસાન ન જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને ઉમેદવારોની પસંદગી બાબતે જે અસંતોષ વ્યાપી ઉઠ્યો છે તેને ખાળવા માટે ભાજપે ડેમેજ કન્ટ્રોલનું કામ ભાજપનાં સૌરાષ્ટ્રનાં મોટા નેતાઓને સોંપવાનું શરૂ કર્યું છે આગામી દિવસોમાં સ્ટાર પ્રચારકો કરતા વધુ સંખ્યામાં ભાજપનાં સૌરાષ્ટ્રવાસી નેતાઓ જેમાં પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, જીતુ વાઘાણી જેવા નેતાઓને જાહેરસભાઓની સાથે શેરીઓમાં પણ મોકલવાની વ્યૂહનીતિ અપનાવાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સુરત મહાનગરપાલિકાની ગઇ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આશ્ચર્યજનક રીતે જ ભાજપનો ગઢ ગણાતા સુરતના બહુલ સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં મોટું ગાબડું પાડીને વરાછા, કતારગામમાં કુલ ૨૭ સીટો કબજે કરી લીધી હતી. આ વખતે પણ ગોપાલ ઇટાલિયાના કારણે આમ આદમી પાર્ટી વરાછા, કતારગામ ઉપરાંત ઉધના અને લિંબાયત જેવા વિસ્તારમાં પોતાનું ગ્રાઉન્ડ મજબૂત કરી રહી છે અને એવા રિપોર્ટ પણ ભાજપને મળ્યા છે કે લિંબાયત, ઉધના જેવા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ખાતુ ખોલાવી શકે છે. આવી સ્થિતિને કારણે ભાજપના મોવડીઓએ હવે સોશિયલ મીડિયાથી લઇને પોતાના સ્થાનિક બુદ્ધિજીવીઓનાં સહારે રિવર્સ પોલિટિકલ એન્જિનિયરિંગ શરૂ કર્યું છે.

રિવર્સ પોલિટિકલ એન્જિનિયરિંગમાં જે પણ કોઇ પોસ્ટ કે ઇશ્યુ કે જે ભાજપ વિરોધી જણાતી હોય તેના મૂળ સુધી પહોંચીને પોસ્ટિંગ કરનાર વ્યક્તિ પાસે જ તેનાથી વિપરિત પોસ્ટ મૂકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ વરાછાનાં અનેક વોર્ડમાં આ વખતે ભાજપનાં કાર્યકરોમાં જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અનેક પાયાનાં કાર્યકરોને કાપીને એવા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે જેઓ ક્યાંકને ક્યાંક કોઇક વિવાદમાં અગાઉ ફસાઇ ચૂક્યા છે. અત્યાર સુધી એવું હતું કે મતદારોમાં ખાસ કરીને યુવાઓમાં આમ આદમી પાર્ટી તરફી ઝુકાવ જાેવા મળતો હતો પરંતુ, આ વખતે તો છેલ્લા બે દિવસમાં જ ભાળી લેવાયું છે કે ભાજપના કાર્યકર્તાઓમાં જ નિરુત્સાહ વ્યાપી ગયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઢોલ, નગારે, વાજગે ગાજતે સરઘસ કાઢીને જે રીતે ઉમેદવારી પત્ર ભર્યા એની સરખામણીઓ ભાજપાના વરાછા, કતારગામ વિસ્તારના ઉમેદવારોનો ઉમેદવારીપત્ર ભરવાનો શો સાવ ફિક્કો ફિક્કો રહ્યો કેમકે કાર્યકર્તાઓને બોલાવવા છતાં તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા. બે જ દિવસમાં ભાજપાના કાર્યકર્તાઓમાં જુસ્સો નથી તેવું ખાળી લેવાયું અને હવે આ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે ભાજપના પ્રદેશ મોવડીઓએ સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવા માટે વ્યૂહનીતિ બનાવી હોવાનું જાણવા મળે છે.

વરાછા ભાજપના નેતાઓ તો ચૂંટણી જાહેર થઇ ત્યારથી એવી માગણી કરી રહ્યા છે કે વરાછા, કતારગામ, પૂણા કુંભારીયામાં આમ આદમી પાર્ટીને રોકવી હોય તો ભાજપના સ્ટાર પ્રચારકો કરતા પુરુષોત્તમ રુપાલા કે મનસુખ માંડવીયાને નિયમિત રીતે સભાઓ યોજવા, મીટિંગો લેવા માટે બોલાવવામાં આવે જેથી કરીને કાર્યકર્તાઓમાં જાેમ અને ઉત્સાહ વધારી શકાય. હવે તો બે સપ્તાહમાં જ ચૂંટણી છે ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ભાજપનાં મોટા સૌરાષ્ટ્રવાસી નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution