દિલ્હી-

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સદસ્ય એહમદ પટેલનું 71 વર્ષની વયે આજે નિધન થયું છે. તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એક મહિના પહેલાં એહમદ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પછી તેમની તબિયત સતત લથડી રહી હતી. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એહમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના પુત્ર સાથે વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી.

વડા પ્રધાન મોદીએ લખ્યું છે કે, અહેમદ પટેલના નિધનથી દુ:ખી છું. જાહેર જીવનમાં તેઓ વર્ષોના અનુભવી હતા, પોતાના તેજ દિમાગ માટે તેઓ જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં તેમનો ફાળો હંમેશા યાદ રહેશે. તેમના દીકરા સાથે વાત કરી અને પરિવારને આશ્વાસન આપ્યું. અહેમદભાઈના આત્માને ભગવાન શાંતિ અર્પે.