દિલ્હી-

અમેરિકાના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને મળ્યા હતા. બંને દેશો ક્વાડના સભ્યો છે, જે પ્રાદેશિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ જૂથ છે. મોદી અને મોરિસને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક તેમજ પરસ્પર સંબંધોને મજબૂત કરવા પર પણ ભાર મૂક્યો હતો.


બંને વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસને લઈને પણ ચર્ચા થઈ હતી. બંનેએ કોવિડ-19, વેપાર, સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા જેવા ઘણા મુદ્દાઓ પર સાથે કામ કરવા પર ભાર મૂક્યો. વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોદી અને મોરિસને બંને દેશોના લોકો-વચ્ચેના સંબંધોને મજબૂત કરવા હાકલ કરી હતી.

સ્કોટ મોરિસને AUKUS ગ્રુપની જાહેરાત થાય તે પહેલા 15 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી. તે ત્રણ દેશોનું જૂથ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટનનો સમાવેશ થાય છે. આ જૂથ હેઠળ અમેરિકા અને બ્રિટન ઓસ્ટ્રેલિયાને પરમાણુ સંચાલિત સબમરીન ટેકનોલોજી પૂરી પાડવા જઈ રહ્યા છે.

મોદી જાપાનના પીએમ સાથે બિલાર્ડ હોટલમાં જ મળ્યા હતા

સ્કોટ મોરિસનને મળ્યા બાદ વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે લગભગ 3.30 વાગ્યે જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાને મળ્યા. સુગા અને મોદીની આ મુલાકાત એ જ બિલાર્ડ હોટેલમાં થઈ જ્યાં વડાપ્રધાન મોદી રોકાયા છે. આ પછી બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ. તેમાં બંને દેશના વડાપ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાન સહિત વિશ્વની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બંનેએ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર પર પણ ભાર મૂક્યો. દ્વિપક્ષીય સુરક્ષા, સંરક્ષણ સાધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર વધારવા પણ સંમત થયા.

બેઠક બાદ PMO એ સોશિયલ મીડિયા પર કહ્યું વોશિંગ્ટન ડીસીમાં બંને નેતાઓ વચ્ચે મહત્વની વાતચીત થઈ. આ સમય દરમિયાન વેપાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ક્વાડ મીટિંગમાં બંને નેતાઓ શુક્રવારે મોડી રાત્રે ફરી મુલાકાત કરશે.

મોદીની બિડેન સાથે આજે મુલાકાત

વડાપ્રધાન 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળશે. આ પહેલી વખત હશે જ્યારે બંને નેતાઓ સામ-સામે મળશે. આ સિવાય શુક્રવારે જ વ્હાઈટ હાઉસમાં ક્વાડ દેશોના નેતાઓની બેઠક થશે. મોદી ત્યારબાદ ન્યૂયોર્ક જવા રવાના થશે અને 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે.