અયોધ્યા-

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તડામાર તૈયારીઓ થઇ રહી છે 5 ઓગસ્ટએ વડાપ્રધાન મોદી ભૂમિ પૂજન કરી શિલાન્યાસ કરવાના છે. પરંતુ તેઓ રામલલા જતાં પહેલાં હનુમાનગઢી જશે.નક્કી કાર્યક્રમ મુજબ વડાપ્રધાન 5 ઓગસ્ટે અયોધ્યા પહોંચ્યા બાદ સૌથી પહેલાં હનુમાનગઢીમાં દર્શન પૂજન કરશે. તેના માટે મંદિરમાં સેનિટાઇઝેશનનું કામ ચાલી રહ્યું છે. મંદિરના મુખ્ય પૂજારી મહંત રાજુદાસે જણાવ્યું કે પીએમ મોદી ભગવાન હનુમાનના દર્શન કરે તેના માટે વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ 7 મિનિટ અહીં રોકાશે. તેમાં પૂજાને સમય આશરે 3 મિનિટનો છે. તે પહેલાં પીએમ 5 ઓગસ્ટે 11:11:15 મિનિટે અયોધ્યા પહોંચશે.

ભૂમિ પૂજન માટેની તૈયારીએ લગભગ પુરી થઇ ગઇ છે. અયોધ્યામાં મહેમાનોનું આગમન પણ શરુ થઇ ગયું છે. આજે ગૌરી-ગણેશ પૂજાથી ત્રણ દિવસનું અનુષ્ઠાન પણ શરુ થઇ ગયું છે. ચારે બાજુ ઉલ્લાલનો માહોલ છે. સોમવારે સૌથી પહેલાં હિન્દુ ધર્મમાં તમામ મુખ્ય પ્રસંગો માટે અનિવાર્ય મનાતી ગણેશ પૂજા થઇ હતી. ત્રણ દિવસીય અનુષ્ઠાનનું સમાપન બુધવારે વડાપ્રધાન દ્વારા થનારા ભૂમિપૂજનની સાથે થશે. પૂજા સવારે 8 વાગે શરુ થઇ હતી. જેમાં 11 પુજારીઓએ મંત્રોના જાપ કર્યા. અન્ય મંદિરોમાં રામાયણ પાઠ આયોજિત કરાયા હતા. 

ગૌરી-ગણેશ પૂજા બાદ સીતા માતાનાં કુળદેવી નાની દેવકાળી અને ભગવાન રામનાં કુળદેવી મોટી દેવકાળીની આરાધના કરવામાં આવી હતી. અયોધ્યામાં બંને ધર્મસ્થળોએ ટ્રસ્ટના સભ્ય રાજા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રે યજમાનની ભૂમિકામાં પૂજન કાર્યક્રમની શરુઆત કરી હતી. પૂજન કાર્યક્રમ માટે રામલલાની પોશાક તૈયાર થઇ ગઇ છે. ભગવાન રામ સોમવારે સફેદ, મંગળવારે લાલ અને બુધવારે લીલા વસ્ત્રો ધારણ કરશે. 5 ઓગસ્ટે ભગવાન રામ તેમના ભઆઇ લક્ષ્‍મણ, ભરત અને શત્રુઘ્ન ભૂમિ પૂજનના પ્રસંગે રત્નજડિત પોશાક પહેરશે. 

રામ મંદિરના નિર્માણ માટે દેશના દરેક ખૂણાની માટી અને જળનો ઉપયોગ કરાશે. અત્યાર સુધી 100 પવિત્ર નદીઓના 1500 સ્થળોનું જળ અયોધ્યા પહોંચી ગયું છે. તેમાં ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, સિંધુ, બ્રહ્મપુત્ર, રાવી, ચિનાબ અને વ્યાસ નદીનો સમાવેશ થાય છે. ઉપરાંત આશરે 2000 પવિત્ર સ્થળોની માટી પણ લવાઇ છે. અયોધ્યાના પ્રત્યેક પરિવાર સુધી રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમનો પ્રસાદ પહોંચાડવાની તૈયારી થઇ રહી છે. તેની વ્યવસ્થાની જવાબદારી ભાજપ સાંસદ લલ્લુ સિંહએ લીધી છે. તેના માટે સાડા ત્રણ લાખ લાડુના પેકેટ્સ શહેરના વિવિધ સ્થળે તૈયાર કરવામાં આવી રહ્યા છે.