લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 |
1584
પાંડોસરાનાં વડોદગામમાંથી છ વર્ષની માસૂમ બાળકીનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરાયું હતું. ફરિયાદ મળતાં પોલીસે સીસી કેમેરા ફૂટેજ થકી આખી રાત તપાસ કરી વહેલી સવારે નરાધમને ઝડપી પાડ્યો હતો. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વડોદગામ, શાસ્ત્રી નગરમાં બિહારનાં વતની મનોજ તેમના પરિવાર સાથે રહે છે. પાંડેસરા જીઆઇડીસી સ્થિત શ્રીજી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલમાં નોકરી કરતાં મનોજને ત્રણ સંતાનો છે. ૩૧મી માર્ચે સાંજે સાતેક વાગ્યે મનોજની પત્ની સંજુ નોકરીએથી આવી ત્યારે મોટો દિકરો અને નાની દીકરી સોસાયટીમાં રમતાં દેખાયા હતાં. જ્યારે ૬ વર્ષની નીશા (નામ બદલ્યા છે) ઘરે પણ જાેવા મળી ન હતી. નાઇટ પાળીમાં નોકરી કરતા હોય સાંજે આરામ કરતાં પતિ મનોજને સંજુએ નીશા અંગે પૂછ્યા બાદ તેઓ શોધખોળ કરવા નીકળ્યા હતાં. સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં નીશા મળી ન હતી. અંધારું થવા માંડ્યું અને માસૂમ બાળકી મળતી ન હોય આ દંપતિ સીધું પોલીસ સ્ટેશન દોડી ગયું હતું. બાળકી લાપતા થયાની ફરિયાદ આવતા જ ઇન્સ્પેક્ટર કે. ડી. જાડેજા અને એસીપી ઝેડ. આર. દેસાઇએ તુરંત સ્થળ વિઝીટ કરી હતી. સાથે જ પોલીસ સ્ટેશનના પચાસથી વધુ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી બાળકીની શોધખોળ શરૂ કરાઇ હતી. આ પૈકી સીસી કેમેરા ચેક કરતી ટીમને પચ્ચીસેક વર્ષ ઉંમરનો યુવક આ બાળકીને લઈ જતાં દેખાયો હતો. આ કેમેરામાં યુવક બાળકીને લઈ જે દિશામાં જતો દેખાયો ત્યાંથી આગળ આગળ સીસી કેમેરા શોધી તેના ફૂટેજ થકી પગેરુ દાબતાં પોલીસ પ્રાઇમ પોઇન્ટ પાસે આવેલા સીઇટીપી પ્લાન્ટ પહોંચી હતી. અહીં આગળ સીસી કેમેરા ન હતાં. જેથી પોલીસની ટીમે ચોમેર ફેલાઇને શોધખોળ કરી હતી. જેમાં ઝાડી ઝાંખરા વાળી જગ્યાએથી બાળકી અને તેનું અપહરણ કરનાર મળી આવ્યો હતો. પોલીસે અપહરણકાર પ્રદીપ સત્યેન્દ્ર જગદેવભગત પાલ (ઉ.વ.૨૨ રહે- કલ્લુરામ પાસીના મકાનમાં, લક્ષ્મીનગર, ગણેશનગર, પાંડેસરા)ની પૂછપરછ કરતાં તે બદકામના ઇરાદે બાળકીને લઇ ગયાનું બહાર આવ્યું હતું.
મોડે સુધી લોકોની આવન જાવન અને પછી બાળકી સૂઇ જતાં પ્રદીપ ગભરાયો
સીસી કેમેરામાં બાળકીને લઇ જતાં દેખાયેલા યુવકની ઓળખ માટે પોલીસે ભારે કવાયત કરી હતી. એ યુવક સ્થાનિક હોવાનું તેની હીલચાલ પરથી લાગ્યું હતું. સીસી કેમેરા ફૂટેજ થકી જે માહિતી મળી એના આધારે ડઝનબંધ યુવકોને ઉપાડી પૂછપરછ કરાઇ હતી. જેમાં એ યુવક પારસ મીલમાં કામ કરતો હોવાની શક્યતાં બહાર આવી હતી. ત્યારબાદ પોલીસે પારસ મીલનાં લેબર કોન્ટ્રાકટર તથા ખાતા ઇન્ચાર્જની તપાસ કરવા માંડી હતી. આ કવાયતમાં એ યુવક સલમાનનો મિત્ર છે એનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે સલમાનને ઉપાડ્યો અને એ યુવકની ઓળખ પ્રદીપ તરીકે કરી હતી. સલમાન પાસે મોબાઇલ નંબર પણ મળતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી પગેરૂ દાબતા પ્રદીપ પાલ સુધી પહોંચી ગઇ હતી.
૫ અધિકારી, ૫૦ કર્મચારીનું ૩ કિલોમીટર એરિયામાં ૧૧ કલાક સુધી સર્ચ ઓપરેશન
છ વર્ષની બાળકી લાપતા થયાની ફરિયાદ મળતા પાંડેસરા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. સાંજનો સમય હોવાથી પોલીસે મામલાને વધુ ગંભીરતાંથી લીધો હતો. શાસ્ત્રી નગર આસપાસના સીસી કેમેરા ચેક કરાયા તો પચ્ચીસેક વર્ષ ઉંમરનો યુવક બાળકીને લઇ જતો દેખાયો હતો. હવે સ્થિતિ ગંભીર બની હતી. નાની અમથી ભૂલ કે ઢીલ બાળકી માટે જાેખમરૂપ સાબિત થાય એમ હતી. આથી એસીપી દેસાઈ અને પીઆઇ જાડેજાએ પોલીસ સ્ટેશનમાં હતાં એ તમામ અધિકારી, કર્મચારીઓને એકઠાં કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પાંચ અધિકારી અને પચાસથી વધુ કર્મચારીઓએ ૧૧ કલાક સુધી ત્રણ કિલોમીટર સુધીનો વિસ્તાર ફેંદી નાંખ્યો હતો. જેમાં સવારે પાંચેક વાગ્યે બાળકીને સહીસલામત શોધી કાઢવામાં આવી હતી.
કુરકુરે અને વેફરનાં પેકેટની લાલચે માસૂમ બાળકીને લઇ જવાઇ હતી
બિહારનાં ઔરંગાબાદ જિલ્લાનો વતની પ્રદીપ પાલ મંગળવારે સાંજે રખડતાં ભટકતાં શાસ્ત્રી નગરમાં પહોંચી ગયો હતો. તેણે આ બાળકીને રમતી જાેઇ હતી. દાનત બગડતાં પ્રદીપે તેણીને કુરકુરે અને વેફરનાં પેકેટ આપ્યાં હતાં. બાળકી હોંશે હોંશે તે ખાવા માંડી એટલે પ્રદીપે તેને ઓર ચાહીએ એમ પૂછ્યું હતું. અબુધ બાળાએ હા પાડી એટલે ચલ મેરે સાથ એમ કહી પ્રદીપ તેને લઇ ગયો હતો. થોડા અંતરે જઇ તેણે આ બાળકીને તેડી લીધી હતી. વેફર કુરકુરે ખાવામાં મગ્ન બાળકી સાથે વાત કરતાં કરતાં પ્રદીપ સીઇટીપી પ્લાન્ટ તરફ જવા માંડ્યો હતો. સીઇટીપી પ્લાન્ટ પાસે ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટના વોચમેને તેને જાેયો પણ હતો. જાે કે, બાળકી સારી રીતે વાત કરી રહી હોય તેને શંકા ગઇ ન હતી.