12, ઓક્ટોબર 2021
297 |
વડોદરા, તા.૧૧
શહેરની આસપાસ નદીઓના કોતરોમાં દારૂ ગાળવાની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસ વિભાગ દ્વારા પ્રથમવાર ડ્રોન સર્વેલન્સથી દરોડા પાડવામાં આવતાં દેશીદારૂનું વેચાણ કરતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
શહેરની આસપાસ ઢાઢર, વિશ્વામિત્રી સહિતની અન્ય નદી-નાળાના કોતરોમાં ધમધમતી ભઠ્ઠીઓમાં દેશીદારૂ બનાવીને આ દારૂ શહેરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હોય છે, તેની વિગતવાર માહિતી મેળવવાની સાથે પોલીસ વિભાગે પ્રથમવાર ડ્રોન સર્વેલન્સથી દારૂની ૧૦ જેટલી ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડયા હતા. જેમાં કોયલી, રણોલી અને આસપાસના વિસ્તારમાંથી ચાર ભઠ્ઠીઓ, ભાલિયાપુરા વિસ્તારમાં બે ભઠ્ઠીઓ, બીલ ગામ અને વડસર ગામમાં બે-બે ભઠ્ઠીઓનો સમાવેશ થાય છે. આ સાથે પોલીસે પ્રોહિબિશનના જુદા જુદા ચારથી વધુ ગુનાઓ નોંધ્યા છે. આ સાથે કુલ ૧૧૦ લિટર દારૂનો જથ્થો કબજે કર્યો છે. તેની સાથે દારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતો ૭૬૦૦ હજાર લિટરથી વધુ વોશ કબજે કરીને દારૂની હાટડીઓ ચલાવનારા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.