18, સપ્ટેમ્બર 2025
વડોદરા |
1485 |
મોબાઈલની ડુપ્લીકેટ એસેસરીઝ સહિતનો ઘણો બધો સામાન મળી આવ્યો
રાજમહેલ રોડ પર મરીમાતાના ખાચામાં એપલ કંપનીના મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની બાતમી મળતા કંપનીના માણસોએ રાવપુરા પોલીસના સ્ટાફ સાથે મરીમાતા ખાંચામાં ચેકિંગ હાથ ધર્યું હતું. દરોડા દરમ્યાન પોલીસે વિવિધ એસેસરીઝ મળી કુલ રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસના દરોડાના પગલે કેટલીક દુકાનો ટપોટપ બંધ કરી વેપારીઓ રવાના થઈ ગયા
આજે એપ્પલ કંપનીના નામે હેડફોન, કેબલ, ચાર્જર, ઈયરફોન ,વોચ સહિતની ચીજવસ્તુઓનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે રંગકૃપા, ઓડિયો ટ્રેક, કલાદર્શન અને મહાદેવ નામની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોબાઈલની ડુપ્લીકેટ એસેસરીઝ સહિતનો ઘણો બધો સામાન મળી આવ્યો હતો. મરી માતાના ખાંચામાં મોટી માત્રામાં મોબાઈલ તથા મોબાઈલની એસેસરીઝનું વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર વધુ નફાની લાલચે કંપનીના ડુપ્લીકેટ માલનું વેચાણ પણ કેટલાક વેપારીઓ કરતા હોય છે. જેથી કંપની દ્વારા મરી માતાના ખાંચામાં અવારનવાર રેડ કરીને ડુપ્લીકેટમાં માલ ઝડપી પાડવામાં આવે છે. અગાઉ પણ મરીમાતાના ખાંચામાં એપલ કંપની ડુબલીકેટ એસેસરીઝ વેચાણ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી થઈ હતી.