લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ફેબ્રુઆરી 2026 |
1980
જામનગર, ગુજરાતમાં નશાના કાળા કારોબારને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં છે. જામનગર જિલ્લાના મોટી ખાવડી વિસ્તારમાં એસઓજીએ એક મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પંજાબથી આવેલા ૪ શખ્સોને રૂ. ૮૩.૬૦ લાખની કિંમતના હેરોઈન સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હેઠળ એસઓજીની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે, પોલીસે મોટી ખાવડી ગામે આવેલી હોટલ ૬૬૬ ના રૂમ નંબર ૨૦૨ માં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રૂમમાં હાજર ૪ શખ્સો પાસેથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી સ્ટાફે પંજાબના વતની એવા ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે રૂ. ૮૩.૬૦ લાખની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતું ૪૧૮ ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે ડ્રગ્સની સાથે ૭ મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડિજિટલ વજન કાંટો મળીને કુલ રૂ. ૮૪,૧૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી દ્વારા આ મામલે પંજાબના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વિશાલસિંગ જસબીરસિંઘ મટુ, હરપ્રીતસિંગ તેજાસિંઘ મજવી, બિક્રમજીતસિંગ અમરજીતસિંઘ મરવી અને જગદિપસિંગ લખબિરસિંઘ ખેહરાનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હેરોઈનનો જથ્થો અમૃતસર (પંજાબ) ના ફિલિપ્સ ઉર્ફે ફૌજી નામના શખ્સે મોકલ્યો હતો. જામનગર પોલીસે મુખ્ય સપ્લાયર ફૌજીને ફરાર જાહેર કરી તેને પકડવા માટે તપાસનો દોર પંજાબ સુધી લંબાવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ મેઘપર પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.