વડોદરા, તા.૧૦
નિઝામપુરા વિસ્તારમાં રહેતા અને મિત્રો સાથે બહાર ગયા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થયેલા યુવકની શોધખોળ કે તેને લઈ જનાર મિત્રોની પુછપરછ નહી કરવાની ઘોર બેદરકારી દાખવીને ગુમ યુવકનો ભોગ લેવાના બનાવના ‘લોકસત્તા-જનસત્તા’ અહેવાલ બાદ ચોંકી ઉઠેલી ફતેગંજ પોલીસે સમગ્ર બનાવની પુનઃ તપાસ શરૂ કરી છે. આ બનાવમાં મુખ્ય આરોપી મનાતા નિઝામપુરા વિસ્તારના એક માથાભારે યુવકને પોલીસે મોડી સાંજે ઝડપી પાડી તેના અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.
નિઝામપુરા વિસ્તારમાં પોતાની બહેન પારુલબેન સોલંકી સાથે રહેતો અને કેટરીંગનુ કામ કરતો ૪૦ વર્ષીય રાકેશ રસીકભાઈ ચૈાહાણને ગત ૨૨મી જુનની વહેલી સવારે તેના વિસ્તારમાં રહેતા સંજય ઉર્ફ કમલેશ ખ્રિસ્તી તેમજ જાદુગર સહિતના યુવકો રિક્ષામાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા અને ત્યારબાદ તે ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો. આ બનાવની ફતેગંજ પોલીસને જાણ કરવા છતાં તત્કાલીની પીઆઈ ડી બી ગોહીલ કે કોઈ સ્ટાફે તપાસમાં ઘોર બેદરકારી દાખવી હતી અને અંતે ૨૬મી જુનની રાત્રે રાકેશનો મૃતદેહ વાસદની સીમમાં હાઈવે પરથી મળ્યો હતો. તેને આઘાત લાગવાથી તેમજ હૃદયરોગનો હુમલો થતાં તેનું મોત થયાની પોસ્ટમોર્ટમમાં જાણ થતાં રાકેશના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે રાકેશને લઈ જનાર મિત્રોએ કોઈક કારણસર તેને ધમકી આપી હતી જેથી તે અત્રે એકલો આવવા ગભરાતો હતો. ફતેગંજ પોલીસે અરજી બાદ તુરંત રાકેશના મિત્રોની કડકાઈથી પુછપરછ કરી હોત તો રાકેશ ક્યાં છે તેની અમને જાણ થઈ હોત અને ભુખ્યા તરસ્યા ભટકી રહેલા અમારા ભાઈને અમે ઘરે લઈ આવતા તેનો બચાવ પણ થયો હોત.
ફતેગંજ પોલીસની વધુ એક બેદરકારીનો એકમાત્ર ‘લોકસત્તા-જનસત્તા’માં અહેવાલ પ્રસિધ્ધ થતાં એસીપી પરેશ ભેંસાણીયાએ સમગ્ર બનાવની તપાસ માટે ફતેગંજ પોલીસને આદેશ આપ્યા હતા અને પોલીસ દોડતી થઈ હતી. દરમિયાન આ બનાવમાં મુખ્ય સુત્રધાર મનાતો સંજય ખ્રિસ્તી મોડી સાંજે નિઝામપુરામાં આવ્યો હોવાની જાણ થતાં જ ફતેગંજ પોલીસે તેને ઝડપી પાડી તેની પુછપરછ શરૂ કરી છે.
નવાયાર્ડની હોટલમાં આરામ કરતાં પી.આઈ. ગોહિલ સ્ટેશન ડાયરી પણ હોટલમાં મંગાવતા હતા
શંકાસ્પદ આરોપીનું સાપરાધ મોત નિપજાવવાના ગુનામાં સંડોવાયેલા અને હાલમાં ફરાર ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ ડી.બી.ગોહિલ સહિતના સ્ટાફને ગરીબ પરિવારની ત્રણ બહેનો તેઓના એકના એક ભાઈને શોધી આપવા આજીજી કરતી હતી તો બીજીતરફ તત્કાલીન પી.આઈ. ડી.બી.ગોહિલ આવા ગંભીર બનાવોની તપાસોને બદલે નવાયાર્ડ વિસ્તારની એક વૈભવી હોટલમાં મોટાભાગે આરામ ફરમાવતા હતા. ફતેગંજ પોલીસના જ કર્મચારીઓએ નામ નહી જણાવવાની શરતે એવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે પોલીસ મથકના સૈાથી મહત્વના દસ્તાવેજ એવી સ્ટેશન ડાયરીમાં પી.આઈ.ની સહી ફરજિયાત હોઈ તત્કાલીન પીઆઈ ડી બી ગોહિલ સ્ટેશન ડાયરી પણ સહી કરવા માટે હોટલમાં મંગાવતા હતા.
પોલીસે ઝડપી પાડતા સંજયનો બચાવ ‘હું તો કમલેશ છું’
ફતેગંજ પોલીસે મોડી સાંજે કથિત આરોપી સંજય ખ્રિસ્તીને નિઝામપુરામાંથી ઝડપી પાડતા તેણે હું સંજય નથી મારુ નામ તો કમલેશ છે તેમ કહીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે નજીકમાં હાજર રાકેશની બહેનોએ તુરંત તેની પાસે દોડી જઈ જણાવ્યું હતું કે તારુ નામ ભલે કમલેશ હોય પરંતું અમે તેને સારી રીતે ઓળખીયે છે અને તું જ અમારા ભાઈને લઈ ગયો હતો.
Loading ...