વડોદર : શહેરના નિઝામપુરામાં થોડાક સમય પૂર્વે રાજકોટના જવેલર્સ પેઢીના કર્મચારીઓની નજર ચૂકવીને કારમાંથી સવા બે કરોડના સોનાના દાગીનાની ચોરીની ઘટના બની હતી.ત્યારે ગત રાત્રીના નિઝામપુરા આશીયાના સોસાયટીમાં બે બાઇક પર આવેલ ચાર લૂંટારુઓએ થેલામાં દાગીના હોવાનું માનીને જવેલર્સ પર રિવોલ્વરથી ફાયરીંગ કરીને પગમાં ગોળી મારવાની ઘટનાએ પોલીસની ઊંઘ હરામ કરી છે.પોલીસે લૂંટારુના સગળ મેળવવા વિવિધ ટીમો રવાના કરી છે.

મળતી માહિતી મુજબ નિઝામપુરા બસ સ્ટેન્ડપાછળ આશીયાના સોસાયટામાં રહેતા ભાવેશ ભરત સોની છાણી ગામ સોખડા રોડ પર જૂની પાણીની ટાંકીસામે શ્રી અંબે જવેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે.ભાવેશ ભાઇ ગતરાત્રીનાનિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી હિસાબ કીતાબના ચોપડા થેલામાં મૂકી કારમાં બેસીને ઘરે આવવા નીકળ્યાહતા.દરમ્યાન તેઓ છાણી કેનાલ સીતારામ કોમ્પલેક્ષમાં આવેલ તાપી હોટલમાં જમવાનું પાર્સલ કરી કારમાં બેસી ઘરે ગયા હતા.અને ઘરની પાસે કાર પાર્ક કરીને પાર્સલ કાઢી દાગીનાનો થેલો કાઢતા હતા.ત્યારે એક બાઇક પર ખભા ઉપર થેલો લટકાવી આવેલ માસ્કધારી બે અજાણ્યા યુવાનોએ બાઇક કાર પાછળ મૂકી ક્રીમ કલરનું શર્ટ પહેરેલ યુવાને ભાવેશભાઇને સાબજી સાબજી કહી ઉભા રાખ્યા હતા.અને બીજાએ કારમાંથી થેલો લૂટવાની કોશિશ કરતા ભાવેશભાઇએ કારનો દરવાજાે બંધ કરી દીધો હતો.અને લૂટારુને રોકવા ત્રણેય વચ્ચે ઝપાઝપી થઇ હતી.જેમાં જમવાનું પાર્સલનો ડબ્બો બચાવ માટે ઉગામતા ઉશ્કેરાયેલ વ્હાઇટ ગ્રીન પટ્ટાવાળી ટી શર્ટ પહેરેલ યુવાને કાળા કલરની પિસ્તોલ રીવોલ્વર જેવું હથિયાર કાઢી એક ગોળી ભાવેશભાઇના જમણાં પગની ઘૂટણની નીચેના ભાગે મારતા લોહી નીકળવા લાગ્યું હતું.ભાવેશભાઇએ બૂમાબૂમ કરતા બીજા બે યુવાનો બાઇક પર પહોંચી ગયા હતા.અને પકડાઇ જવાની બીક લાગતા બીજા એક યુવાને કાર પાછળ મૂકેલી બાઇક ચાલુ કરી ઝપાઝપી કરનાર બે યુવાનને બાઇક પર બેસાડી કાશીવિશ્વનાથ મંદિર થઇ છાણી જકાત નાકા તરફ ભાગી ગયા હતા.આ બનાવને પગલે આજૂબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.અને ભાવેશ તેમના પાડોશી  મિત્ર ભાવીન ગજ્જર સાથે સારવાર કરવા છાણી ખાનગી હોસ્પિટલમાં ગયા હતા.આ બનાવ બન્યા પછી ભાવેશભાઇએ ફતેહગંજ પોલીસ મથકે લૂંટ તેમજ ફાયરીંગની ઘટના બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે  વિવિધ ટીમો કામે લગાવી લૂટારુઓનું પગેરુ શોધવાની કોશિશ કરી છે.અને સીસીટીવી કેમેરાની પણ મદદ  લીધી છે.

બોકસ

લૂંટારુઓને પકડવા ફતેહગંજની સાથે ડીસીબીની ટીમ કામે લાગી

નિઝામપુરામાં રાત્રીના જવેલર્સ પર લૂંટના ઇરાદે ફાયરીંગની ઘટનાથી પોલીસની ઊંઘ હરામ થઇ ગઇ છે.આ બનાવને પગલે પોલીસ વિભાગે લૂંટારુઓના સગળ મેળવવા ફિંગર પ્રિન્ટ એક્ષપર્ટ, એફએસએલ તેમજ ડોગ સ્કવોર્ડની મદદ લીધી છે.અને પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા આ ચારેવ લૂંટારુઓ કેમેરામાં કેદ થયા છે.ત્યારે પોલીસે બાઇક નંબરના આધારે તેમજ શહેરના અન્ય વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરીને આ લૂંટારુઓ ક્યાંથી આવ્યા હતા.તેની તપાસ શરુ કરી છે. સાથો સાથ પોલીસ આ ગેંગ સ્થાનિક હોવાનું પ્રાથમિક તબક્કે માની રહી છે.એસીપી પરેશ ભેંસાણીયાના જણાવ્યા મુજબ આ બનાવમાં ફતેહગંજ પોલીસની મદદે ડીસીબીની સર્વેલન્સ ટીમ પણ કામે લાગી છે.અને લૂંટારુઓ ફતેહગંજ બ્રીજથી છાણી સુધીના તમામ સીસીટીવી કેમેરામાં આ ચારેવ નજરે ચઢે છે.અને આ લોકોને કોઇએ ટીપ આપી હોવાની શક્યતા છે.