અમદાવાદ-

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીનો પ્રચાર હાલમાં જોરશોરમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું અને માઇક પર પડ્યું હતુ. ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પણ તેમણે મીડિયા સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. કરજણમાં નીતિન પટેલ પર જૂતું ફેકાવાનો મામલે CM રૂપાણીએ કોંગ્રેસને ચેતવણી આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસને ચેતવણી છે સંયમમાં રહો, નીતિન પટેલ પર જુતુ ફેંકનાર કોંગ્રેસી જ હશે, સુરતમાં ઈંડુ ફેંકનાર કોગ્રેસના માણસ હતા. વધુમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, ભાજપનો કાર્યકર શાંત છે ત્યાં સુધી સારૂ છે, નહીં તો ભાજપનો કાર્યકર ઈંટનો જવાબ પથ્થરથી આપશે.

નીતિન પટેલ પર ચપ્પલ ફેકાયા બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, લોકોમાં ગુસ્સો છે પરંતુ વિરોધ કરવાની આ રીત લોકતાંત્રીક નથી. જણાવી દઈએ કે, ગુજરાતમાં લાંબા સમયથી બીજેપી સત્તા ઉપર બિરાજમાન છે, ત્યારે પ્રથમ વખત એવું બન્યું છે કે, કોઈ મોટા ગજાના નેતા ઉપર ચપ્પલ ફેકવામાં આવ્યો હોય. ચપ્પલ ફેંકાયાની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે, ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા નાયબ મુખ્યમંત્રી પર ફેંકાયેલા ચપ્પલની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. 

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ઘટનાને વખોડતાં કહ્યું, જનતામાં રોષ છે પણ તેને વ્યક્ત કરવાની આ રીત નિંદનીય છે. ભાજપની સભામાં ચપ્પલ ફેંકાય તેમાં કોંગ્રેસ ક્યાંથી આવે. પક્ષપલટુ અને ગદ્દાર સામેનો રોષ અન્ય જગ્યાએ ખોટી રીતે વ્યક્ત થયો. રાહુલ ગાંધી પર પથ્થર અને મનમોહન સિંહ પર જૂત્તુ ફેંકાયું ત્યારે ભાજપે ઘટનાને વખોડવાની જરૂર હતી. કોઈપણ ઘટનાનો દોષ કોંગ્રેસ અને વિપક્ષને આપવાની નીતિ ભાજપે બદલવી જોઈએ.