વડોદરા, તા.૨

વડોદરા સહિત આસપાસના ઔદ્યોગિક એકમોનું દૂષિત, કેમિકલયુક્ત પાણીના કારણે આજે ફરી એકવાર પાદરા તાલુકાના મહિસાગર ખાતે પ્રદૂષિત પાણી દેખાયું હતું. ફીણવાળું પાણી જાેવા મળતાં પર્યાવરણ સુરક્ષા સમિતિના અગ્રણીએ આ અંગે અનેક ફરિયાદો કરવા છતાં કોઈ પગલાં જીપીસીબી દ્વારા નહીં લેવાતાં કે આ અંગે બનાવેલ કમિટી દ્વારા રિપોર્ટ પણ નહીં અપાતાં રોષ વ્યક્ત કર્યો હતો.

આ અંગે પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે પાદરા તાલુકાના ડબકા ગામે મહિસાગર નદીમાં ફરી પ્રદૂષિત પાણી દેખાયું હતું. છેલ્લાં ચાર વર્ષથી આવી રીતે પ્રદૂષણ દેખાય છે અને આ અંગે છેલ્લાં બે વર્ષથી લેખિત ફરિયાદો પણ કરવામાં આવી છે.

વડોદરાના ઔદ્યોગિક એકમોનું પ્રદૂષણ સારોદ ખાતે એફલુઅન્ટ ચેનલ દ્વારા ખંભાતના અખાતમાં ઠલવાય છે અને અમદાવાદના ઉદ્યોગોનું પ્રદૂષણ પણ સાબરમતી નદી દ્વારા ખંભાતના અખાતમાં નંખાય છે. આ ઉપરાંત વિશ્વામિત્રીનું પ્રદૂષણ પણ ઢાઢર દ્વારા ખંભાતના અખાતમાં ઠલવાય છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ખંભાતનો અખાત જે દરિયાની અંદર મિક્સ થતો નથી જેના કારણે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. તેમાંય ખાસ કરીને શિયાળાની ઋતુમાં અમાસ અને પૂનમના દિવસે મોટા પ્રમાણમાં ભરતીના કારણે પ્રદૂષિત પાણી દરિય્‌ાના પાણી સાથે ડબકા ગામ સુધી આવી જાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ગંભીર પ્રશ્ને એક કમિટી બનાવવામાં આવી છે, જે તપાસ કરી રહી છે. પરંતુ તેનો વચગાળાનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી અને વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે અને જીપીસીબી દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવે છે.

જાે કે, આ પ્રદૂષણના કારણે વડોદરા નજીકના ગામો તો મુશ્કેલીમાં મૂકાય જ છે, પરંતુ આ પ્રદૂષિત પાણી હજુ આગળ વધે તો વડોદરા શહેરને પણ પીવાના પાણી જેવી સમસ્યાનું ભોગ બનવું પડશે તેમ પણ તેમણે કહ્યું હતું.