રાંદેરમાં પોસ્ટર લાગ્યાં : ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવાં નેતા જ વોટ માગવા આવે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026  |   1881

સુરત શહેર સહિત સમગ્ર જિલ્લાઓમાં હાલમાં રાંદેર વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે જ રાંદેરનાં ગોરાટ વિસ્તારમાં સ્થાનિકોએ રાજકીય પક્ષો, ખાસ કરીને ભાજપ સામે મોરચો ખોલ્યો છે. શહેરમાં એક તરફ હનુમાન જન્મોત્સવની ઉજવણી ચાલતી હતી ત્યારે બીજી તરફ મંદિરની આસપાસની સોસાયટીઓમાં ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે તેવા જ નેતા વોટ માગવા આવે તેવા બેનરો લોકો દ્વારા લગાવવામાં આવતા ભાજપના નેતાઓનું ટેન્શન વધી ગયું છે. શહેરમાં રાંદેર ઝોનનો ગોરાટ વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે. સ્થાનિકો અને મંદિરનાં પૂજારીનો આક્ષેપ છે કે, ગોરાટ હનુમાન મંદિરની દિવાલને અડીને જ વિધર્મીઓ માટે બિલ્ડિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. અશાંત ધારાનો સરેઆમ ભંગ કરીને આ બાંધકામ થઈ રહ્યું હોવા છતાં કોઈ રાજકીય નેતાએ સ્થાનિકોની વહારે આવ્યાં નથી. સ્થાનિકોનો આરોપ છે કે નેતાઓની મીલીભગતને કારણે જ મંદિરની સુરક્ષા જાેખમાઈ રહી છે. સોસાયટીઓના ગેટ પર લાગેલા બેનરોમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે કે, "ગોરાટ હનુમાન મંદિર બચાવી શકે તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું. એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી બની ગઈ, જવાબદાર કોણ તેવો પ્રશ્ન પુછતાં બેનરો લાગી ગયાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, અમને કોઈ પક્ષ સાથે લેવા-દેવા નથી, જે અમારા મંદિર અને વિસ્તારની રક્ષા કરશે તે જ અમારા નેતા ગણાશે. અત્યાર સુધી નેતાઓએ અમારી વાત સાંભળી નથી, હવે ચૂંટણી સમયે અમે તેમને જવાબ આપીશું. ભાજપ હંમેશા હિન્દુત્વ અને મંદિર સુરક્ષાનાં મુદ્દે મજબૂત રહ્યું છે, પરંતુ અહીં મંદિર બચાવવા માટે જ ભાજપનાં શાસન સામે સવાલો ઉઠ્યા છે. અશાંત ધારાના કડક અમલની વાતો વચ્ચે આ પ્રકારે બાંધકામ થવું તે શાસક પક્ષની કામગીરી સામે આંગળી ચીંધે છે. પાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આ પ્રકારનો આક્રોશ વોટ બેંકમાં ગાબડું પાડી શકે છે. મંદિરનાં પૂજારી અને ભક્તોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. હનુમાન જયંતીનાં દિવસે જ્યારે હજારો ભક્તો ઉમટ્યાં હતાં ત્યારે આ બેનરોએ સુરતભરમાં ચર્ચા જગાવી છે. આ વિસ્તારના લોકોનો આવો મિજાજ આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે ભારે પડી શકે છે. હવે જાેવાનું એ રહેશે કે શું કોઈ નેતા આ વિવાદનો ઉકેલ લાવવા આગળ આવશે કે પછી જનતાનો આક્રોશ ચૂંટણીમાં જાેવા મળશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution