બોડેલી, તા.૧૨

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની મુલાકાત મંગળવારે લીધી હતી.

મુખ્યમંત્રી વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા વગેરે અંગે વિગતો મેળવી હતી.ભૂપેન્દ્ર પટેલે બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળીને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી હતી.મુખ્યમંત્રીએ શિરોલાવાલા હાઈસ્કુલ ખાતેના આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અસરગ્રસ્ત લોકોની પણ મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી અને સરકાર તેમની પડખે છે તેવો સધિયારો આપ્યો હતો.

શિરોલાવાલા હાઈસ્કુલ ખાતે મુખ્યમંત્રી વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ મળ્યા હતા. વિરોધપક્ષના નેતાએ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને મદદરૂપ થવાની હૈયાધારણા આપી પૂર અસરગ્રસ્તોને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ જરૂરી તમામ સહાય સમયમર્યાદામાં ચુકવવામાં આવશે તેમ ઉમેર્યું હતું

રાચરચીલું પાણીમાં તણાઇ જતાં લોકોને મુશ્કેલી

બોડેલી ઃ મુખ્યમંત્રી વરસાદ થી થયેલા નુકસાન વર્ધમાન નગર ,રજા નગર અને શિરોલાવાલા હાઈસ્કૂલની મુલાકાંતે પહોંચ્યા હતા.પાણી ઓસરરતા લોકોની હાલત કફોડી અનાજ, કપડા ઘરનું રાચ રચીલુ પાણી મા તણાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે