વડોદરા : વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મળેલા કારમા પરાજયના પગલે શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના પત્ર લખીને પરાજયની જવાબદારી પોતે સ્વીકારી છે.

પ્રશાંત પટેલે અમિત ચાવડાના લખેલા પત્રમાં જણાવ્યું છેકે, વડોદરા મહાનગરપાલિકાના ઇલેકશનમાં પ્રદેશ નેતૃત્વ અને વડોદરા કોંગ્રેસ પરિવાર દ્વારા જે સાથ સહકાર આપ્યો તે બદલ હું સહુંનો આભારી છું,પરંતુ જે પરિણામને ધ્યાનમાં લઇને મારી નૈતિક જવાબદારી સમજીને હું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પદ પરથી રાજીનામું આપું છું, અને કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે કામ કરતો રહીશ. મારું રાજીનામું સ્વીકારવું.

શહેર કોંગ્રેસના સંખ્યાબંધ હોદ્દેદારોએ આજે ચૂંટણીના પરિણામ બાદ હોદ્દા પરથી રાજીનામાં આપ્યા હતા. જેમાં પ્રવક્તા અમિત ગોટીકર, મહામંત્રી – રાજેશ પટેલ ( બાદશાહ), મહામંત્રી – હર્ષલ અકોલકર, મહામંત્રી – વિકીશાહ, ઉપપ્રમુખ – અમર ઢોમસે, માજી એનએસયુઆઇ પ્રમુખ - દેવાંગ ઠાકોર, યુથ કોંગ્રેસ મહામંત્રી - મિતેષ ઠાકોર, મંત્રી – જૈમિન ચૌહાણ, વોર્ડ ૧૪ પ્રમુખ - તીર્થ બ્રહ્મભટ્ટ, વોર્ડ ૩ પ્રમુખ – હેરી ઓડ, મહામંત્રી – અનિલ પરમાર, વોર્ડ ૪ પ્રમુખ – અજય ભાટિયા, મંત્રી – અજય પટનીનો પણ સમાવેશ થાય છે.