હર્ષદ મહેતા બનીને સૌના દિલમાં રાજ કરનાર પ્રતિક ગાંધી કરશે બોલીવુડમાં એન્ટ્રી....
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, નવેમ્બર 2020  |   5346

અમદાવાદ: 

 કોરોના વાયરસ લોકડાઉનના કારણે ઓટીટી (OTT) પ્લેટફોર્મ્સે દર્શકો વચ્ચે બહુ ઝડપથી જગ્યા બનાવી લીધી છે. આ પ્લેટફોર્મ્સ પર રિલીઝ થનારી ફિલ્મો અને વેબ સિરીઝને દર્શકોનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. અનેક સિરીઝ અને ફિલ્મો તો દર્શકોમાં રેકોર્ડતોડ લોકપ્રિયતા મેળવી રહી છે. આ કલાકારોને પણ રાતોરાત સુપરસ્ટારનું બિરૂદ પણ મળી રહ્યું છે. SonyLIV પર રિલીઝ થએલી 'સ્કેમ 1992- ધ હર્ષદ મહેતા સ્ટોરી' પણ આવા જ એક પ્રોજેક્ટ્સની યાદીમાં આવે છે. આ સિરીઝમાં પ્રતિક ગાંધીએ મુખ્ય ભૂમિકા ભજવી છે અને આ માટે તેના ખુબ વખાણ પણ થઈ રહ્યા છે.


'સ્કેમ 1992-ધ હર્ષદ મહેતા' સ્ટોરીમાં પ્રતિકના શાનદાર અભિનયના પ્રતાપે પ્રતિક ગાંધીને પેન સ્ટુડિયોએ પોતાના આગામી ફિલ્મ 'રાવણ લીલા' માં મુખ્ય અભિનેતાની ભૂમિકામાં સાઈન કર્યો છે. પ્રતિક ગાંધીએ પોતાના ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યથી લોકોને આ શુભ સમાચાર જણાવ્યા છે. પ્રતિક ગાંધીએ લખ્યું છે કે, 'આ દિવાળી મારા માટે જબરદસ્ત બોનસ લઈને આવી છે. મે મારી પહેલી હિન્દી ફિચર ફિલ્મ સાઈન કરી છે. જેનું નામ રાવણ લીલા છે. આ ફિલ્મને હાર્દિક ગજ્જર ડાઈરેક્ટ કરશે.'

પેન સ્ટુડિયોના માલિક જયંતિ લાલે રાવણ લીલા અંગે વાત કરતા કહ્યું કે, 'આ ફિલ્મની વાર્તા એકદમ નવી છે. આ કન્ટેન્ટ ડ્રિવન ફિલ્મ છે. જેમાં શાનદાર મ્યૂઝિક અને જબરદસ્ત પરફોર્મન્સ હશે. અમે આ ફિલ્મને લઈને ખુબ એક્સાઈટેડ છીએ.'

રાવણ લીલાના ડાઈરેક્ટર હાર્દિક ગજ્જરે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, કહાની કહેવાની અનેક રીત હોય છે. મે એક નવી રીત ટ્રાય કરી છે. મને આશા છે કે દર્શકોને મારી રીત પસંદ આવશે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution