લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, માર્ચ 2026 |
નવી દિલ્હી |
2574
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ બાધિત થતા ભારતની ઊર્જા સુરક્ષા પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. ખાડી દેશોમાંથી આવતા ઓઇલ અને ગેસના સપ્લાયમાં મોટા પાયે વિક્ષેપ પડ્યો છે, જેના કારણે દેશમાં એલપીજી સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ કટોકટીનો સામનો કરવા માટે સરકારી ઓઇલ કંપનીઓ હવે ઘરોમાં વપરાતા ૧૪.૨ કિલોના સિલિન્ડરને બદલે માત્ર ૧૦ કિલો ગેસ ભરીને આપવા પર વિચારણા કરી રહી છે.
આ વ્યૂહનીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ગેસના જથ્થાને વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડવાનો છે, જેથી ગેસની અછતને મેનેજ કરી શકાય. જાે આ યોજના અમલમાં આવશે, તો સિલિન્ડર પર નવા સ્ટીકર લગાવાશે અને વજનના પ્રમાણમાં તેની કિંમતો પણ ઘટાડવામાં આવશે. ભારત પોતાની જરૂરિયાતનો અંદાજે ૬૦% એલપીજી આયાત કરે છે, જેમાંથી ૯૦% પુરવઠો ખાડી દેશોમાંથી આવે છે.
હાલની સ્થિતિ એટલી ચિંતાજનક છે કે ગયા અઠવાડિયે માત્ર બે જહાજાે દ્વારા ૯૨,૭૦૦ ટન ગેસ આવ્યો હતો, જે ભારતની માત્ર એક જ દિવસની જરૂરિયાત પૂરી કરી શકે તેટલો જ છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ઈરાનને મળેલી ચેતવણી બાદ સ્થિતિ વધુ વણસી છે અને ભારતના છ જેટલા એલપીજી ટેન્કરો અત્યારે પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે.