વડોદરા, તા.૧૯

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની ૧૦ બેઠકો પર તા.પમી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં પ્રચાર માટે વડોદરા આવશે અને શહેરની મધ્યમાં નવલખી મેદાન ખાતે જાહેરસભાને સંબોધશેતા. ૨૩મી એ સાંજે વડાપ્રઘાનની સભાનુ આયોજન થઈ રહ્યુ છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને આજે શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નવલખી મેદાનમાં જઈને ક્યાં શું વ્યવસ્થા થઈ શકે તેની ચર્ચા વિચારણા કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું તા.૧લી ડિસેમ્બરે યોજાનાર મતદાન માટે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીએ ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે. રાજકીય પક્ષોના અગ્રણીઓની સભાઓનું આયોજન થઈ રહ્યું છે. વડોદરાની ૧૦ બેઠકો પર બીજા તબક્કામાં તા.પમી ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપે ચૂંટણી પ્રચાર માટે કયા નેતા ક્યાં પ્રચાર કરશે તેનું આયોજન શરૂ કર્યું છે.

વડોદરાને બેઠકો પર પણ કેટલાક નેતાઓ ચૂંટણી સભાઓ ગજવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વડોદરામાં ચૂંટણી સભા સંબોઘશે. શહેરની મઘ્યમાં આવેલા નવલખી મેદાન ખાતે વડાપ્રધાનની સભાનું આયોજન થઈ રહ્યુ છે.જેને ઘ્યાનમાં રાખીને આજે શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નવલખી મેદાનની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થા, હેલીપેડ સહિત મેદાનમાં પાર્કીંગ વગેરેની વ્યવસ્થા ક્યા અને કેવી રીતે થઈ શકે તેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન તા.ર૩મીની સાંજના સમયે યોજવાનુ આયોજન થઈ રહ્યુ છે.

વડાપ્રઘાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં વડોદરા શહેર-જિલ્લાની તમામ ૧૦ બેઠકના ઉમેદવારો, ભાજપના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહે તે માટે પ્રયાસ ભાજપા દ્વારા શરૂ કરાયા હોંવાનુ જાણવા મળે છે.