વડોદરા : મોબાઈલ ફોનની દુકાન તરીકે રાજ્યભરમાં કુખ્યાત એવી વડોદરાની સેન્ટ્રલ જેલમાં ગઈ કાલે નામચીન આરોપીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ખંડણીખોર અજ્જુ કાણિયાની પતરાથી ગળુ કાપી કરપીણ હત્યાના બનાવના પગલે જેલ સત્તાધીશોની અક્ષ્મય એવી ઘોર બેદરકારી સપાટી પર આવી છે. જેલમાં કહેવાતા વર્ચસ્વ સાથે નાણાં ઉઘરાવવાના મુદ્દે બંને નામચીન આરોપીઓ વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી અને ત્રણ દિવસથી તો તેઓ સામસામે પણ આવી ગયા હતા તેમ છતાં જેલ સત્તાધીશોએ આ ઝઘડાના ઉગ્ર પડઘા ના પડે તેની તકેદારી નહી રાખતા જેલમાં આખરે ખૂની ખેલ ખેલાયો છે.  

વડોદરાની સેન્ટ્રલ જેલમાં છેલ્લા ત્રણ વર્ષથી અધધ કહેવાય તેટલી સંખ્યામાં ગેરકાયદે મોબાઈલ ફોન, ચાર્જરો, ઈયરફોન અને અન્ય સીસ્ટમ મળી આવતા વડોદરાની સેન્ટ્રલ જેલ લાંબા સમયથી ગુનાખોરી અને અંધારી આલમમાં મોબાઈલ કી દુકાનના નામે કુખ્યાત બની છે. વારંવાર વિવાદોમાં રહેવા માટે ટેવાયેલી વડોદરાની સેન્ટ્રલ જેલમાં સમયાતંરે અધિક્ષકો બદલાયા છે પરંતું જેલની વિવિધ બેરેક અને યાર્ડમાં આવેલી ગુનેગારોની ખોલીમાં ગુનાખોરીનું સામ્રાજ્ય સહેજ પણ અટક્યુ નથી. અત્યંત ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષાના બણગા ફુંકતા વડોદરા સેન્ટ્રલ જેલના સત્તાધીશો ગઈ કાલના હત્યાના બનાવ બાદ મિડિયા સામે આવવાનું સતત ટાળી રહ્યા છે. જેલમાં ધોળેદહાડે જે રીતે રીઢા ગુનેગારની હત્યા થઈ છે તે બનાવથી જેલમાં ચાલતી તમામ પોલો ઉઘાડી પડી ગઈ છે. અજ્જુ કાણિયાની હત્યા ખરેખર કોઈ પહેલી વાર ઝઘડો થતા નથી થઈ પરંતું અજ્જુ કાણિયા તેમજ તેના હત્યારા સાહિલ પરમાર, આફતાબ ઉર્ફ શિવો અને કિરણ ઉર્ફ બોડિયો વચ્ચે અગાઉ પણ જેલમાં વર્ચસ્વ તેમજ ફોન બુથ પર વાત કરવા માટે નાણાં પડાવવાના મુદ્દે તકરાર થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બનાવની રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનાર ડબલમર્ડર કેસનો આરોપી અને અજ્જુ કાણિયા સાથે બેરેકમાં રહેતો મોસીનખાન પઠાણે પણ ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૨મી તારીખે સવારે સાહીલ અને અજ્જુ વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં સાહીલને તેના સાગરીત આફતાબે બોલાવી લેતા તે રવાના થયો હતો. અજ્જુ કાણિયો અને સાહિલ બંને જણા રીઢા અને માથાભારે અ ારોપીઓ હોઈ તેમજ તેઓ છુટ્ટાહાથના હોવાનો પણ તેઓનો ગુનાઈત ઈતિહાસ છે.

આ ઈતિહાસથી જેલ સત્તાધીશો પણ વાકેફ છે અને તેઓએ આ ઝઘડાના ઉગ્ર પડઘા પડે તે અગાઉ જ બંને આરોપીઓ જેલમાં સામસામે ના આવે કે તેઓને એકબીજા પર હુમલો કરવાની કોઈ તક ના મળે તે રીતે દુરની યાર્ડ-બેરેકમાં રાખવાની જરૂર હતી અને તેઓ કદાચ એક જ સમયે બહાર નીકળી સામસામે આવે તો તેઓની પર સતત જેલના સુરક્ષાસ્ટાફ વોચ રાખે તેવી વ્યવસ્થા રાખવાની જરૂર હતી. જાેકે જેલ સત્તાધીશોએ આવી કોઈ પણ જાતના સલામતિ કે અગમચેતીના પગલા લેવામાં ઘોર બેદરકારી દાખવી તેના જ પરિણામે ગઈ કાલે જેલમાં ફોન બુથ પરથી પરત ફરી રહેલા અજ્જુ કાણિયાને હરિફ ત્રિપુટીએ રહેંસી નાખ્યો.

વડોદરાની જેલ ગુનેગારો માટે ‘સલામત ગુનાખોરી’નું સ્થળ

વારંવાર વિવાદોમાં સપડાતી વડોદરાની સેન્ટ્રલ જેલ રીઢા અને ખુંખાર ગુનેગારો માટે તો સલામત ગુનાખોરીનું સ્થળ બની હોય તેવું ચિત્ર વિવિધ કિસ્સાઓથી સાબિત થઈ રહ્યું છે. વડોદરાની જેલમાં વારંવાર કેદ ખુંખાર આરોપી ગોવા રબારી જેલમાંથી જ મોબાઈલ દ્વારા ખંડણીનું નેટવર્ક ચલાવતો હતો અને તેને જેલ સિપાઈએ ફોન સાથે રંગે હાથ ઝડપી પાડતા તેણે જેલ સિપાઈને જ ધમકી આપી હતી જેની રાવપુરામાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા રૂબિ કાંડનો આરોપી જયંતિ પટેલિયાએ પણ બનાવટી ચલણી નોટોનું જેલમાં બેઠા બેઠા નેટવર્ક ચલાવ્યું હોવાનો પર્દાફાશ થયો હતો. તેવી જ રીતે મંયક ટેલરે પણ તેના સાગરીત સાથે મળીને જેલના ઝામરોના વાયરો કાપી નાખી મોબાઈલ ફોનનો ગેરકાયદે ઉપયોગ માટે તમામ કેદીઓને સુવિધા કરી આપી હતી. જયારે વાઘોડિયામાં રહેતો હત્યાનો આરોપી અજય રાજપુતની પણ જામીન પર છુટ્યા બાદ જેલમાં સીમકાર્ડ લઈ ગયો હતો જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.

રાવપુરા પોલીસે જેલમાં તપાસ હાથ ધરી આરોપીઓની કસ્ટડી માટે કોર્ટને પત્ર લખ્યો

ગઈકાલે વડોદરા મધ્યસ્થ જેલમાં થયેલ કુખ્યાત અજ્જુ કાણિયાની હત્યાના મુદ્દે રાવપુરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. આજે પોલીસ દ્વારા જેલમાં આરોપીઓ, બનાવને નજરે નિહાળનાર કેદીઓ તેમજ જેલના કર્મચારીઓ સહિતના લોકોના નિવેદનો લેવાના શરુ કર્યા હતા. આ સાથે હત્યા માટે વપરાયેલ હથિયાર સહીત આરોપીઓના કપડા કબ્જે કર્યા હતા અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓની કસ્ટડી માટે કોર્ટને પત્ર લખવામાં આવ્યો છે.

 વડોદરા સેન્ટ્રલ જેલમાં ગઈકાલે સવારે ૧૧થી ૧૧ઃ૧૫ની વચ્ચે જેલમાં અંડર ટ્રાયલ કેદીઓના ૧૨ નંબરના યાર્ડમાં રહેતા કુખ્યાત અજ્જુ કાણીયા અને મર્ડરના આરોપી સુનિલ ઉર્ફે સાહિલ મહેશ પરમાર વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જેના પગલે સુનિલે કાણીયાના ગળાના ભાગે ત્યાં જમીન પર પડેલો પતરાનો ભંગારનો ટુકડો મારી દીધો હતો. કાણીયાના ગળાના ભાગે દોઢથી બે ઇંચ ના બે ઘા ઝીંકી દેવાતાં ફસડાઇ પડ્યો હતો. તેને તુરંત સયાજીમાં લઇ જવાતા મૃત જાહેર કરાયો હતો. અમદાવાદના ખૂંખાર ગુનેગાર શિવો ઉર્ફે આફતાબને વડોદરા જેલમાં લવાયા બાદ જેલમાં શરૂ થયેલી વર્ચસ્વની લડાઇમાં શિવાના સાગરીત સાહિલે પતાવી દીધો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. આ વચ્ચે પોલીસે સુનિલ ઉર્ફે સહિત પરમાર, કિરણ ઉર્ફે બોડિયો સોલંકી અને આફતાબ ઉર્ફે શિવો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

આજે સવારથી રાવપુરા પોલીસ દ્વારા મધ્યસ્થ જેલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હત્યા કરવા માટે વપરાયેલ પતરાનો ટુકડો અને આરોપીઓના કપડા કબ્જે કર્યા છે. જેની સાથે સાથે આરોપીઓના, ઘટનાને નજરે નિહાળનાર કેદીઓ અને જેલ સ્ટાફ સહીત જેલરના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી હજુ પણ હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવાનું બાકી હોઈ પોલીસ દ્વારા તેઓની કસ્ટડી મેળવવા માટે કોર્ટને પત્ર લખવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા કસ્ટડી માટે મંજૂરી અપાયા બાદ આરોપીઓને કોરોના ટેસ્ટ માટે લઇ જવાશે. જ્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આરોપીઓના ઘર અને જેલની આસપાસ પોલીસનું પેટ્રોલિંગ

ગઈકાલે અજ્જુ કાણિયાની હત્યા થઇ હોવાના સમાચાર મળતા તેના સેંકડો સમર્થકોએ હોસ્પિટલ અને જેલમાં હોબાળો મચાવ્યો હતો. આ વચ્ચે અજ્જુની હત્યા કરનાર આરોપીના વડોદરામાં જ રહેતા પરિવારજનો પર તેના સમર્થકો દ્વારા કોઈ હુમલો ન કરવામાં આવે તેના માટે પોલીસ દ્વારા આરોપીના ઘરની આસપાસ પરટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. અજ્જુનાં સમર્થકો ગઈકાલે જેલમાં પણ ઘુસી ગયા હોવાથી આવી ઘટના ફરીવાર ન થાય તે માટે રાવપુરા પોલીસે મધ્યસ્થ જેલની આસપાસ પણ પેટ્રોલિંગ વધાર્યું હોવાની માહિતી સાંપડી છે.

જેલના ભ્રષ્ટ કર્મચારીઓની ગુનેગારો સાથે સાંઠગાંઠ

સેન્ટ્રલ જેલમાં કાગળનો એક સામાન્ય ટુકડો પણ કેદી સુધી પહોંચી ના શકે તેવી સુરક્ષા વ્યવસ્થા છે પરંતું તેમ છતાં કેદીઓ પાસેથી મોબાઈલ, ચાર્જર, સીમકાર્ડ, હેન્ડસફ્રી, તમાકુ, ગુટખાની પડીકી સહિતની ચીજાે ગેરકાયદે મળી આવવાના અસંખ્ય કિસ્સા બન્યા છે. જેલમાં કેદીઓ સુધી આ તમામ ચીજાે ગેરકાયદે પહોંચાડવામાં જેલના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓની સંડોવણી છે અને રીઢા ગુનેગારો સાથેની સાંઠગાંઠના કારણે જ કેદીઓ પણ બેફામ બન્યા છે જેનું પરિણામ જેલ સત્તાધીશોને ગઈ કાલે મળી ગયું છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં કેદ કાચાકામનો કેદી યોગેન્દ્ર મહિડાને તેની પત્ની પ્રિયંકા જેલમાં મુલાકાત માટે આવતી હતી તે સમયે જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા હાર્દિક હરિભાઈ ખેરે કેદીની પત્ની પ્રિંયકાનો સંપર્ક કરી યોગેન્દ્રને જેલમાં સીમકાર્ડ પહોંચાડવામાં મદદ કરી હતી અને કેદી યોગેેન્દ્ર તેની પત્ની સાથે મોબાઈલ પર વાતો કરતો હતો. આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે જેલસિપાઈ હાર્દિક ખેરની ધરપકડ પણ કરી હતી.

જેલમાં જંગી નાણાં ચુકવો તો ટિફીન સહિત પડીકી-સિગારેટની સુવિધા

વડોદરાની સેન્ટ્રલ જેલમાં જે રીતે ફોન તેમજ પાન-પડીકીના પાઉચ અને તમાકુની પડીકીઓ મળી આવી છે તે વિગતોના પગલે એવી પણ વાતો વહેતી થઈ છે કે જેલમાં નાણાં ચુકવો તો તમામ સુવિધાઓ મળી શકે છે. ચર્ચાતી વિગતો મુજબ જેલ સત્તાધીશોની મંજુરી વગર કાચા કામના કેદીઓને ઘરના ટિફીનની સુવિધા અપાતી નથી પરંતું જાે ઘરનું જ ભોજન આરોગવું હોય તો એક ટિફીન દીઠ મહિનાના ૩-૫ હજાર રૂપિયાનો ભાવ ચાલે છે. તેવી જ રીતે જેલમાં ગેરકાયદે મોબાઈલ પર વાત કરવા માટે એક મિનિટના ૫-૧૦ રૂપિયાનો ભાવ છે અને જાે કોઈ કેદીને બહુ જ ગરજ હોય અને તેને ફોન કરવાની લાભ થવાનો હોય તો તેવા કિસ્સામાં એક મિનિટના ૧૦૦-૧૫૦ રૂપિયા પણ પડાવવામાં આવે છે. આ ઉપરાંત રીઢા ગુનેગારો અન્ય કેદીઓ સુધી બિડી, સિગારેટ, ગુટખા પહોંચાડવા માટે નાણાંના બદલે કમિશન પેટે આ ચીજવસ્તુઓના જથ્થામાંથી થોડીક ચીજાે પોતાના ઉપયોગ માટે કાઢી લે છે. ઉલ્લેખનીય છે કે જેલમાં મળતી આવી સુવિધાના આક્ષેપોને જેલ સત્તાધીશોએ અગાઉ નકાર્યા છે.

રીઢા ગુનેગારો ધ્વારા નવા કેદીઓના રેગીંગની ચર્ચા

સેન્ટ્રલ જેલમાં હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, ખંડણી અને માદકદ્રવ્યોની હેરાફેરી જેવા ગંભીર ગુનામાં સજા ભોગવતા પાકા કામના કેદીઓ જેલમાં નવા આવતા કાચા અને પાકા કામના કેદીઓ પર વર્ચસ્વ જમાવવા માટે તેઓનું કોલેજની જેમ રેગીંગ પણ કરતા હોવાનું જેલમાંથી છુટેલા કેદીઓમાં ચર્ચા છે. એક ચર્ચા મુજબ જેલમાં પાકા કામના રીઢા ગુનેગાર કેદીઓ નવા આવતા કેદીઓની વારંવાર જાહેરમાં મશ્કરી કરી, તેઓને નાના મોટા કામ માટે દોડાવી, અપશબ્દો બોલી અને છુટ્ટા હાથની ઝપાઝપી કરી તેઓની પર વર્ચસ્વ જમાવે છે. ગઈ કાલના કિસ્સામાં પણ અજ્જુ કાણિયા અને સાહિલ વચ્ચે વર્ચસ્વ જમાવવા માટે હોડ જામી હતી જેમાં એક તબક્કે સાહિલ અને તેના સાગરીતો અજ્જુ કાણિયા અને તેની માથાભારે ગેંગના તાબે પણ થયા હતા પરંતું તેઓના ત્રાસ વધી જતા તેઓએ કંટાળીને અજ્જુનું ઢીમ ઢાળી દેવાનો પ્લાન કર્યો હતો અને તે મુજબ અજ્જુ અને તેના સાથીદાર પર હુમલો કરી તે પૈકીના અજ્જુની હત્યા કરી હતી.