વડોદરા, તા.૨૨

વડોદરાની સેન્ટ્રલ જેલના સુપ્રિ. બલદેવસિંહ વાઘેલાની તાનાશાહી અને જેલ સત્તાધીશો દ્વારા અપાતી યાતનાના વિરોધમાં જેલના કાચાકામના ૬૦૦થી વધુ કેદીઓએ બળવો પોકારી ગઈ કાલથી સામુહિક ભુખ હડતાળ શરૂ કરતા જેલ સત્તાધીશોમાં ફફડાટ ફેલાયો છે. ભ્રષ્ટ્રાચાર આચરવાના આક્ષેપોમાં ઘેરપાયેલા જેલ સત્તાધીશોના વિરોધમાં કેદીઓની ભુખ હડતાળના રાજ્યના ગૃહ મંત્રાલયે નોંધ લઈ આ બાબતે જરૂરી વિગતો મંગાવતા જેલ સત્તાધીશોમાં દોડધામ મચી છે અને આજે મોડી સાંજે જેલ સત્તાધીશોએ કાચા કામના કેદીઓને ભુખ હડતાળ ત્યજી દેવા માટે સમજાવટનો દોર શરૂ કર્યો છે. જાેકે કેદીઓએ સરમુખ્ત્યાર સુપ્રિ.ની બદલીની માગણી કરતા સમગ્ર મામલો હજુ ગુંચવાયેલો છે જયારે કેદીઓના પરિવારજનો આ હડતાળના પગલે ચિંતિત બન્યા છે.

મોબાઈલ ફોનની દુકાન તરીકે કુખ્યાત વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યારથી જેલ સુપ્રિ.બલદેવસિંહ વાઘેલાએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જેલ સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે. જેલના કાચા કામના કેદીઓને ઠંડીમાં રક્ષણ મેળવવા માટે ઘરેથી સ્વેટર,જાકીટ અને ધાબળા મેળવવાની સુવિધા બંધ કરી દેવામાં આવતા તેમજ લાંબા સમયથી સાવ હલકી ગુણવત્તાનું ખાવાનું આપવામાં આવતા આખરે કેદીઓએ જેલના સત્તાધીશો સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડત શરૂ કરી ગઈ કાલથી સામુહિક ભુખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જેલ સત્તાધીશોએ કેદીઓની સામુહિક ભુખ હડતાળનો મુદ્દો મિડિયાથી ગુપ્ત રાખવાના તમામ પ્રયાસો કર્યા હતા પરંતું ખુદ કેદીઓના પરિવારજનોએ કેદીઓ પાસેથી આ વિગતો મેળવી તેની માધ્યમોમાં જાણ કરતા જેલ સત્તાધીશોની કરતુતોનો ઘટસ્ફોટ થયો છે.

કાચા કામના કેદીઓએ ગઈ કાલથી શરૂ કરેલી ભુખ હડતાળ આજે સતત બીજા દિવસે પણ યથાવત હોવાનું સુત્રોએ જણાવ્યું છે. એટલું જ નહી કાચા કામના કેદીઓએ આજે સવારે ચા પીવાનો પણ ઈન્કાર કર્યો છે. બીજીતરફ કેદીઓની સામુહિક હડતાળના અહેવાલોની રાજ્યના ગૃહ મંત્રાલયે ગંભીરતાથી નોંધ લઈ આજે જેલ સુપ્રિ.ની ઓફિસમાં ફેક્સ કરી જરૂરી વિગતો મંગાવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા નોંધ લેવાતા જેલ સત્તાધીશોમાં દોડધામ મચી છે અને હાલમાં રજા પર ગયેલા સિનિયર જેલર બી.બી.ઝાલા જેમની કેદીઓ ભારે સન્માન આપે છે તેમને તાત્કાલિક જેલમાં હાજર કરાયા હોવાનું અને બી.બી.ઝાલા તેમજ દરેક યાર્ડના કર્મચારીઓની એક ટીમ બનાવીને આજે મોડી સાંજ બાદ કેદીઓને ભુખ હડતાળ સમેટી લેવા માટે સમજાવટના પણ પ્રયાસો શરૂ થયા છે.

જાેકે કેદીઓએ તેઓની સત્તાવાર હક્ક છે તેવી માગણીઓ પુરી થાય અને જેલના વિવાદાસ્પદ સુપ્રિ. બલદેવસિંહની બદલી થાય પછી જ ભુખ હડતાળ પાછી ખેંચીશું તેમ કહેતા મામલો હજુ સુધી ગુંચવાયેલો છે. જાેકે બીજીતરફ આટલા હોબાળા બાદ પણ જેલ સત્તાધીશોનું પેટનું પાણી હલ્યુ નથી અને તેઓએ આ અંગે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યુ છે. મળતી વિગતો મુજબ જેલમાં ભુખ હડતાળ પર ઉતરેલા કેદીઓને તબીબી તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લાવવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી પરંતું હોસ્પિટલ ખાતે મિડિયા મોટી સંખ્યામાં હોવાની જાણ થતાં કેદીઓને જેલની હોસ્પિટલમાં જ તબીબી ચકાસણી કરાવી બેરેકમાં પરત મોકલાયા હતા. બીજીતરફ ભુખ હડતાળ પર ઉતરેલા કેદીઓએ ગાંધીનગર ખાતે જેલ વિભાગના આઈજીને ૭ પાના ભરેલી અરજીમાં ગંભીર આક્ષેપો સાથે લેખિત ફરિયાદ કરી હતી અને જેલ સુપ્રિ. અને અન્ય કર્મચારીઓ દ્વારા ગુજારવામાં આવતી યાતનાઓની સિલસિલાબધ્ધ વિગતો જણાવી છે.

જેલ સુપ્રિ.નો વૃદ્ધ કેદીને ઠપકો, તમે તમારા બાપના લગનમાં નથી આવ્યા

જેલના સુપ્રિ. બલદેવસિંહ દર સોમવારે અને ગુરુવારે રાઉન્ડમાં નીકળે છે. આ રાઉન્ડ દરમિયાન જેલના એક વયોવૃધ્ધ કેદીએ જમવા બાબતે રજુઆત કરતા જ જેલ સુપ્રિ. તેમની પર તાડુક્યા હતા અને જણાવ્યું હતું કે તમે તમારા બાપના લગનમાં નથી આવ્યા, તમે ખુની છો, બળાત્કારી છો તથા ચોર છો. આ ઠપકા બાદ આવી રજુઆતો કરનાર કેદીઓની બેરેક બદલી નાખી તેઓને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની કેદીઓએ ફરિયાદ કરી છે.

જેલસ્ટાફ દ્વારા કેદીઓના સામાનની લૂંટ કર્યાના આક્ષેપ

કેદીઓએ તેઓના પરિવારજનો સમક્ષ એવો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યા હતા કે ગત ૨૦મી તારીખના બપોરે જેલરો, સુબેદારો થતા અન્ય યાર્ડના સિપાઈઓએ ૧૫થી ૨૦ના ટોળામાં ઝડતીના બહાને યાર્ડ ૧ની ૧થી૪ નંબરની બેરેકમાં ઘુસીને કાચા કામના કેદીઓએ ઘરેથી મંગાવેલા ધાબળા, ગરમ વસ્ત્રો, પગરખા તેમજ જેલની કેન્ટીનમાંથી મંગાવેલી પ્લાસ્ટીકની ડોલ,મગ્ગા, ગ્લાસ અને ધીની ઝડતીના મો લુંટી લઈ ગયા છે જેથી આ બાબતે પોલીસ મથકમાં લુંટનો ગુનો દાખલ કરવામાં આવે. ધાબળા અને ગરમ કપડા લઈ જવાતા કેદીઓની ઠંડીમાં ઠુઠવાઈને આખી રાત બેસી રહેવુ પડે છે.

શેખ બાબુકેસના આરોપીઓને જેલના કોઈ કાયદા લાગુ પડતા નથી

ફતેગંજ પોલીસ મથકના બાબુ શેખ હત્યાકાંડમાં સંડોવાયેલા ફતેગંજ પોલીસ મથકના પુર્વ પીઆઈ, પીએસઆઈ અને પોલીસ જવાનો પર જેલ સત્તાધીશોનો ચાર હાથ હોવાની વિગતો સાંપડી છે. સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ પુર્વ પીઆઈ સહિતના પોલીસ જવાનો એક સાથે આઉટ દવાખામાં રહે છે અને તેઓને જેલના કાયદાનો ભંગ કરી બપોરે ૧૨થી ૩ દરમિયા બંદી કરવામાં આવતા નથી અને સાંજે પણ તેઓ મનસ્વી રીતે રાત્રે ૧૦ વાગે બંદી થાય છે અને તેઓની આજ દિન સુધી બેરેક બદલી કરાઈ નથી. એટલું જ નહી પુર્વ પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓને વિડીઓ કોલ જે સરકારી ખર્ચે કરાવવામાં આવે છે તે નિયમ મુજબ ૧૫ મિનીટના બદલે ૧ કલાક સુધી કરવા દેવામાં આવે છે અને કોર્ટમાંથી પરત ફરતા તેઓની ઝડતી કરાતી નથી જયારે અન્ય કેદીઓના ગુદામાં હાથ નાખીને ઝડતી કરાય છે. જાે રાજયના જેલોના વડા વડોદરાની જેલના સીસીટીવી કેમેરા ફુટેજ તપાસે તો જેલ સત્તાધીશોની પોલ ખુલશે તેવો સુત્રોએ દાવો કર્યો છે.

એનજીઓ દ્વારા સેશન્સ જજને રજૂઆત કરાઈ

કાચા કામના કેદીઓના પરિવારજનોની ફરિયાદ બાદ વડોદરા યુવા હેલ્પ ગ્રુપના પ્રમુખ નારાયણ રાજપુતે આજે કેદીઓ પર જેલમાં થઈ રહેલા અત્યાચારો અંગે દિવાળીપુરા કોર્ટ ખાતે નામદાર સેશન્સ જજને રજુઆત કરી હતી. આ અંગે નારાયણ રાજપુતે જણાવ્યું હતું કે નામદાર જજે તેમને માહિતી આપી હતી કે આ બાબતે ગૃહ મંત્રાલય દ્વારા જેલ સત્તાધીશોને ફેક્સ મોકલવામાં આવ્યો છે અને જેલ સત્તાધીશો દ્વારા તે બાબતે શું પગલા લેવાય છે તેની જાણકારી મેળવાયા બાદ આગળની કાર્યવાહી થશે.

જેલ સુપ્રિ.નો કાચાકામના કેદીઓએ હુરિયો બોલાવ્યો

મળતી વિગતો મુજબ કાચા કામના કેદીઓના હક્કો પર તરાપ મારવાના આક્ષેપમાં ઘેરાયેલા જેલ સુપ્રિ. બલદેવસિંહ આજે સવારે જેલમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. જાેકે તેમને જાેતા જ કેદીઓમાં ઉશ્કેરાટ ફેલાયો હતો અને તેઓએ હુરિયો બોલાવી જેલ સુપ્રિ.નો વિરોધ કરતા તે રાઉન્ડ છોડીને પરત ફર્યા હોવાનું પણ સુત્રોએ નામ નહી જણાવવાની શરતે ઉક્ત માહિતી આપી હતી. જાેકે આ બાબતે ખરાઈ માટે ફોન કરવા છતાં જેલ સત્તાધીશોએ ફોન રિસિવ નહી કરતા તેઓની પ્રતિક્રિયા મેળવી શકાઈ નહોંતી.

જેલમાં આપઘાતના બનાવોમાં હત્યાની શંકાથી ચકચાર

વડોદરા સેન્ટ્રલ જેલમાં બલદેવસિંહ વાઘેલા જ્યારથી સુપ્રિ. તરીકે નિયુક્ત થયા છે ત્યારથી જેલમાં વિવાદોની વણઝાર સર્જાઈ છે. જેલના પાકા કામના કેદી વિક્રમસિંહ જેઠવાએ ગત ૭-૯-૨૦ના રોજ ફાંસો ખાધો હતો, ત્યારબાદ આઉટ દવાખાનામાં પણ પાકા કામના કેદી પરેશગીરી મેઘનાથી પણ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ આપઘાતના બનાવોને કેદીઓએ આઈજીને લખેલા પત્રમાં આ કેદીઓની આત્મહત્યા છે કે પછી ઠંડા કલેજે હત્યા કરાઈ છે તેની તપાસ માટે વિનંતી કરતા ચકચાર મચી છે.