દિલ્હી-

કેન્દ્ર સરકારે હવે આરટીઓની કામગીરી પણ ખાનગીકરણ કરવા તૈયારી આરંભી છે. જેમાં દેશના વિવિધ રાજયોમાં આશરે ૧૨૯૩ આરટીઓની મોટાભાગની કામગીરી હવે ઓનલાઇન થશે. જેથી નાગરિકોને ઘરબેઠા સુવિધાઓ મળી રહેશે.

કેન્દ્ર સરકારે આરટીઓની કામગીરીને ઓનલાઇન કરવાની કવાયત આરંભી દીધી છે. અને, આ માટે દેશના વિવિધ ૩૨ રાજયોમાં તખ્તો તૈયાર કરાયો છે. અને, કેન્દ્ર સરકારે કેટલીક કામગીરી ખાનગી કંપનીઓને સોંપવાની દિશામાં તૈયારી કરી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૩૧ માર્ચે જાહેર કરેલા નોટિફિકેશનને અમલી કરવા રાજય સરકારે કવાયત આરંભી છે. આ કવાયતના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તમામ આરટીઓ સાથે ૨૮ મેના રોજ ઓનલાઇન બેઠક યોજી હતી. આ કામગીરી અન્વયે હવે નાગરિકોને કેટલીક કામગીરી માટે આરટીઓ કચેરીએ ધક્કા નહીં ખાવા પડે. આ ઓનલાઇન કામગીરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ, ટેક્સની મોટાભાગની કામગીરી ઓનલાઇન થશે. આ ઉપરાંત ૧૫ જેટલી કામગીરીમાં બદલાવ કરવા સૂચનો કરાયા છે. જેને પગલે ટેસ્ટ ટ્રેક, લર્નિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન અને દંડની ભરપાઇ જેવા કામોને પણ નવી દિશા આપવામાં આવશે. જેમાં કેટલાકનું ખાનગીકરણ થવાની પણ સંભાવના છે. આરટીઓમાં ફરજ બજાવતા હાલના કર્મચારીઓનો ચેકિંગ અને એન્ફોર્સમેન્ટની કામગીરીમાં ઉપયોગ થશે. જાેકે, આ બાબતે રાજયના ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા આ બાબતે કોઇ માહિતી આપવામાં આવી નથી.