એએમસીમાં ૬.૪૩ કરોડના લેપટોપ-મોબાઇલ ખરીદની દરખાસ્તને મંજૂરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026  |   2871

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેટરો અને અધિકારીઓ માટે લેપટોપ, પ્રિન્ટર અને મોબાઇલ ફોન ખરીદવાની ૬.૪૩ કરોડની દરખાસ્તને મંજૂરી આપી છે. આ ર્નિણય બાદ જાહેર નાણાંના ઉપયોગને લઈને વિવિધ સ્તરે ચર્ચા શરૂ થઈ છે. મંજૂર કરાયેલી દરખાસ્ત મુજબ કોર્પોરેશનના ૧૯૨ કોર્પોરેટરો અને વર્ગ-૧થી વર્ગ-૩ સુધીના ૧૦૯૦ અધિકારીઓ માટે ગેજેટ્સ ખરીદવામાં આવશે. આ ગેજેટ્સ માટેનો ખર્ચ કોર્પોરેશનના ભંડોળમાંથી કરવામાં આવશે.

દરખાસ્ત અનુસાર કોર્પોરેટરો માટે અંદાજે ૨.૬૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે અધિકારીઓ માટે ૩.૮૨ કરોડ ફાળવવામાં આવશે.અધિકારીઓમાંથી આશરે ૯૦ અધિકારીઓને લેપટોપ અને પ્રિન્ટર આપવામાં આવશે, જ્યારે બાકીના અધિકારીઓને મોબાઇલ ફોન આપવામાં આવશે.

માહિતી મુજબ કોર્પોરેટરો અને અધિકારીઓ દ્વારા ખરીદાયેલા ગેજેટ્સ તેમની વ્યક્તિગત માલિકીમાં રહેશે. કોર્પોરેટરો પહેલા પોતાની પસંદગી મુજબ લેપટોપ અને પ્રિન્ટર ખરીદશે અને ત્યારબાદ બિલ રજૂ કરીને કોર્પોરેશન પાસેથી રિઇમ્બર્સમેન્ટ મેળવશે. કોર્પોરેટરો માટે અગાઉ લેપટોપ અને પ્રિન્ટર માટે ૯૦ હજારની મર્યાદા હતી, જેને વધારીને હવે ૧ લાખ કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીના જણાવ્યા અનુસાર અગાઉ અમલમાં રહેલી ગેજેટ્સ સંબંધિત નીતિને ફરી અમલમાં લાવવામાં આવી છે. ડિજિટલ માધ્યમથી કામગીરી, ઈ-મેઈલ દ્વારા ફરિયાદો અને વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

આ ર્નિણય બાદ વિરોધના સ્વર પણ ઉઠ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે શહેરમાં રસ્તા, ગટર, પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ માટે વધુ ખર્ચ કરવાની જરૂર છે ત્યારે કરોડો રૂપિયાના ગેજેટ્સ ખરીદવાનો ર્નિણય યોગ્ય છે કે નહીં તે અંગે ચર્ચા થવી જાેઈએ.અગાઉ પણ કોર્પોરેટરોને આપવામાં આવેલા લેપટોપનો ઉપયોગ મર્યાદિત રહ્યો હોવાના અને કેટલાક કિસ્સાઓમાં તેનો ઉપયોગ પરિવારના સભ્યો દ્વારા થતો હોવાના આક્ષેપો થયા હતા. જાેકે, આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ નવી માહિતી જાહેર કરવામાં આવી નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution