વડોદરા, તા.૬
હાથીખાનાથી કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર બંને બાજુ ભરાતાં શાકમાર્કેટને વૈકલ્પિક વ્યવસ્થા આપી અન્યત્ર ખસેડવાની માગ સાથે સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક રહીશોએ કહ્યું હતું કે, અમે પોતાના ઘરમાં વાહનો લઈને જઈ શકતા નથી.
શહેરના કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના જતા મેઈન રોડ પર બંને તરફ દરરોજ સાંજે ભરાતાં શાકમાર્કેટને ખસેડવા ચૂંટણી પૂર્વે માગ કરવામાં આવી હતી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી. જાેકે, હજુ સુધી શાકમાર્કેટ અન્યત્ર ખસેડી વૈકલ્પિક જગ્યા નહીં ફાળવતાં આજે સોસાયટીના એક રહીશની કાર બહાર કાઢવા મુદ્દે લારી નહીં ખસેડતાં સોસાયટીના રહીશો સાથે કેટલાક શાકભાજીના વેપારીઓનું ઘર્ષણ સર્જાયું હતું. જાે કે, કાર બહાર નીકળી નહીં શકતાં બેલેન્સ ગુમાવવાથી અકસ્માતને કારણે કારને પણ નુકસાન થયું હતું.
આ બનાવને પગલે આ રોડ પર આવેલ ૭ થી ૮ સોસાયટીઓના રહીશો એકઠા થયા હતા અને શાકભાજી માર્કેટવાળાને અન્યત્ર વૈકલ્પિક જગ્યા આપવાની માગ કરી હતી. શાકભાજીના લારી, પથારાવાળાઓના કારણે અમે અમારા ઘરમાં કે આગળ પોતાનું વાહન પણ મૂકી શકતા નથી. આ ઉપરાંત આ વેપારીઓ શાકભાજી અને ગંદવાડો અહીં જ ફેંકીને જતા રહે છે ત્યારે આ શાકમાર્કેટ અન્યત્ર ખસેડવાની માગણી કરી હતી.