વડોદરા, તા. ૨૧

શહેરના આર.વી. દેસાઈ રોડ પર શ્રી સાચોરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા યોજાઈ રહેલા અંજન શલાકા મહોત્સવની શોભાયાત્રામાં હાથીને શામેલ કરવામાં આવ્યો હોવાની જાણ થતા જ પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરો દોડી

આવ્યા હતા અને તેમણે જબરધસ્ત વિરોધ કરીને શોભાયાત્રામાંથી હાથીને હટાવડાવ્યો હતો અને એને સલામત સ્થળે ખસેડીને રેસ્ક્યૂ કર્યો હતો. સંસ્થાના કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ કે, વન વિભાગની પરવાનગી વિના આયોજકોએ હાથીને શોભાયાત્રામાં શામેલ કર્યો હતો. આયોજકો પાસે શોભાયાત્રામાં હાથીને રાખવાની કોઈ પરવાનગી હતી જ નહીં.

શહેરની પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના રાજ ભાવસારે જણાવ્યુ હતુ કે, આજે સવારે આર વી દેસાઈ રોડ પર આવેલા ખંડોબા મંદિર પાસે જૈન સમાજની એક ધાર્મિક શોભાયાત્રા નીકળી હતી. જેમાં એક હાથીને શામેલ કરવામાં આવ્યો હોવાની જાણ મને થઈ હતી. ખરાઈ કરવા માટે મેં નજીકમાં રહેતા અમારા એક કાર્યકરને નવાપુરા મોકલ્યો હતો. થોડી વાર પછી એણે મને કહ્યુ હતુ કે, જૈન સમાજની એક ધાર્મિક શોભાયાત્રા નીકળી છે અને એમાં એક હાથીને પણ રાખવામાં આવ્યો છે. જેથી હું અને મારા બીજા કાર્યકરો તાત્કાલિક આર.વી. દેસાઈ રોડ પહોંચ્યા હતા. જ્યાં શોભાયાત્રાના આયોજકોને મળીને મેં હાથીને ત્યાંથી હટાવી લેવા વિનંતી કરી હતી.

થોડી માથાકૂટ બાદ આયોજકોએ શોભાયાત્રામાંથી હાથીને હટાવી લીધો હતો અને એને પંડાલના પાછળના ભાગે શિફ્ટ કરી દીધો હતો. હકીકતમાં આયોજકો પાસે શોભાયાત્રામાં હાથીને શામેલ કરવાની કોઈ પરમિશન જ ન હતી. આયોજકોએ મને પોલીસ પરમિશન બતાવી હતી.

એમાં બળદ, ઉંટ અને ઘોડાનો ઉલ્લેખ હતો પણ એમાં ક્યાંય હાથીનો ઉલ્લેખ ન હતો. વાસ્વતમાં હાથીને શોભાયાત્રામાં શામેલ કરવા પર પ્રતિબંધ છે. અને જાે એને લાવવામાં આવે તો એની સાથે વેટરનરી ડોક્ટરને રાખવા અનિવાર્ય છે. જાે કોઈપણ સંજાેગોમાં હાથી હિંસક બને તો તેને ટ્રન્ક્યુલાઈઝ કરવા માટેની વ્યવસ્થા રાખવી પડે. ખેર, હાલમાં હાથીને પંડાલની પાછળ રાખવામાં આવ્યો છે. એના માટે પાણી અને ખોરાકની પૂરતી વ્યવસ્થા છે. એને ગરમી ના લાગે તે માટે કુલર પણ મુકવામાં આવ્યુ છે. મહાવત એને રાત્રિના સમયે અમદાવાદ લઈ જશે.

જગન્નાથ મંદિરમાં ૧૬ હાથી રાખવામાં આવ્યા છે

જૈન સમાજની શોભાયાત્રામાં શામેલ થવા માટે લવાયેલો હાથી અમદાવાદના જગન્નાથ મંદિરનો છે. હાલમાં મંદિરમાં ૧૬ હાથી રાખવામાં આવ્યા છે. જગન્નાથ મંદિરથી હાથીને આઈશર ટેમ્પામાં એનો મહાવત વડોદરા લાવ્યો હતો. ગઈકાલે જ હાથીને વડોદરા લાવે દેવાયો હતો. જાેકે, હાથીને શોભાયાત્રામાં રાખવો જાેખમી સાબિત થઈ શકે છે. એવું મહાવત પોતે પણ જાણતો હતો. તેમ છતાંય એને ધાર્મિક શોભાયાત્રામાં શામેલ કરવા બદલ મહાવત સામે પણ કાર્યવાહી થઈ શકે છે.