વડોદરા, તા.૧૯ 

શહેરના ફતેગંજ પોલીસ મથકના ચકચારી કસ્ટોડિયલ હત્યાકાંડ કેસના ૬ આરોપીઓને શહેર પોલીસની ટીમ ૧૦ દિવસનો ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં શોધી શકી નથી. આરોપીઓ વિરુદ્ધ સીઆરપીસી-૭૦ મુજબની કાર્યવાહી પણ કરી દેવામાં આવી છે ત્યારે ફતેગંજ પોલીસ મથકના અન્ય એક પીએસઆઈની પણ આખા મામલામાં ભેદી ભૂમિકા હોવાનો આરોપ શેખ બાબુના પરિવારે લગાવી પીએસઆઈ રાઠોડ સામે પણ કડક કાર્યવાહીની માગ કરી છે. બીજી તરફ તપાસ અધિકારીએ પણ રાઠોડની પૂછપરછ કરી હતી.

તેલંગાણા રાજ્યના રહીશ શેખ બાબુને ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ ફતેગંજ પોલીસ મથકે પૂછપરછના બહાને બોલાવી એની હત્યા કરી મૃતદેહને સગવેગ કરવાના મામલામાં એ સમયના પીઆઈના ઈશારે બનાવટી તપાસના બહાને તેલંગાણા રાજ્યના કામારેડ્ડી ગામે પહોંચી જઈને શેખ બાબુના પરિવારને ધમકી આપી આ કેસમાં સમાધાન કરી લેવા માટે દબાણ કરાયું હોવાનો આરોપ મૃતક શેખ બાબુના પુત્ર સલીમ શેખે લગાવ્યો હતો અને આ અંગે ઉચ્ચ અધિકારીઓ અને અદાલત સમક્ષ રાઠોડ સામે પણ પગલાં ભરવા માગ કરનાર છે. ફતેગંજ પોલીસ મથકના પીએસઆઈ ડી.બી.રાઠોડે બિનસત્તાવાર રીતે બનાવટી તપાસ કરી પીઆઈ, પીએસઆઈ સહિત ચાર જવાનો જે શેખ બાબુની હત્યાના આરોપીઓ છે એમને ક્લીનચિટ આપી છાવરવાનો પ્રયાસ કર્યો હોવાનું તપાસ અધિકારીઓના ધ્યાન ઉપર આવ્યું છે. ત્યારે આખા આ હત્યાકાંડના મામલામાં રાઠોડની પણ સંડોવણફી હોઈ શકે એમ મૃતક શેખ બાબુના પરિવારે જણાવ્યું છે. સલીમ શેખના જણાવ્યા અનુસાર પીએસઆઈ ડી.બી.રાઠોડે કામારેડ્ડી આવી તમારા પિતા મોટા ગુનેગાર હતા એમને ફતેગંજથી છોડી દેવાયા બાદ પોલીસના ડરથી છૂપાતા ફરે છે. ફતેગંજ પોલીસ મથકમાં કશું બન્યું નથી, તમે કરેલી અરજીઓ પાછી ખેંચી લો... એમાં જ તમારી ભલાઈ છે, નહીંતર હેરાન-પરેશાન થઈ જશો, માટે સમાધાન કરી લો એમ જણાવ્યું હતું.

એની સામે શેખ બાબુના પરિવારે ઉગ્ર થઈ જણાવ્યું હતું કે, છેલ્લે જીવંત હાલતમાં શેખ બાબુ ફતેગંજ પોલીસ મથકે આવ્યા હોવાનું તમે જ જણાવો છો તો શેખ બાબુને હાજર કરો, તો જ સમાધાન થશે એમ જણાવતાં સ્થાનિક પોલીસને પણ સાથે લઈને પહોંચેલા ડી.બી.રાઠોડ અને અન્ય પોલીસ કર્મચારીઓ પરિસ્થિતિ પામી જઈ વિલામોંઢે ફરત ફર્યા હતા. બીજી તરફ શેખ બાબુ હત્યાકાંડના મામલે એસીપી સમક્ષ ફતેગંજ પોલીસ મથકના જે કર્મચારીઓએ નિવેદન આપ્યા હતા એ નિવેદનો જબરજસ્તી અને દબાણપૂર્વક લેવાયા હોવાના સોગંદનામા પણ ડી.બી.રાઠોડે લીધા હતા અને એ સોગંદનામા તપાસ અધિકારી સમક્ષ રજૂ પણ કરાયા હતા. આ બિનસત્તાવાર તપાસ અને સોગંદનામા કોના ઈશારે લેવાયા એની હાલ તપાસ ચાલી રહી છે અને ડી.બી.રાઠોડની પૂછપરછ પણ થઈ હતી.