મર્ડર પ્રકરણના આરોપીઓને VIP સુવિધા પૂરી પાડતા PSI સસ્પેન્ડ
23, સપ્ટેમ્બર 2020

જામનગર-

જામનગર એલસીબી પોલીસ દફતરમાં ગંભીર ગુનાનાં ખુખાર આરોપીઓને દફતરમાં આપવામાં આવેલ વીઆઈપી ટ્રીટમેન્ટને લઈને વાયરલ થયેલ વિડીઓ બાદ જીલ્લા પોલીસવડા સક્રિય થાય તે પૂર્વે આઈજીએ બેદરકાર રહેલ આઈઓ પીએસઆઈ કે કે ગોહિલને સસ્પેન્ડ કરી દીધા છે. આઈજીના કડક પગલા બાદ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ તાજેતરમાં આરઆર સેલ પોલીસે અને જામનગર એલસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી સાડા છ માસ પૂર્વે ધ્રોલમાં થયેલ હત્યા પ્રકરણના અંતિમ બે આરોપીઓને પકડી પાડ્યા હતા. જામનગર લઇ આવી બંને આરોપીઓ ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહ જાડેજાને એલસીબીની ટીમે બે દિવસના રિમાન્ડ પર લીધા હતા. પ્રથમ દિવસથી જ આરોપીઓને લોક અપમાં નહિ પણ બહાર રાખવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ આક્ષેપ બાદ એલસીબી દફતરનો વિડીઓ વાયરલ થયો છે. જેમાં રાતનો સમય છે. બંને આરોપીઓ લોકઅપને બદલે દફતરના એસી રૂમમાં આરામથી નીચે ઓશિકાવાળી પથારીમાં આરામથી સુતેલા નજરે પડી રહ્યા છે. ગંભીર ગુનાના આરોપીઓ હાલ રિમાન્ડ પર છે ત્યારે કેવી રિમાન્ડ ચાલી રહી છે એ દર્શાવતો વિડીઓ સામે આવતા જ ચકચાર મચી જવા પામી હતી. 

અંતે આ વિડીયો રેંજ આઈજી પાસે પહોચી જતા તેઓ કાળજાળ થઇ ગયા હતા અને વિડીઓની ગંભીરતા તેમજ પોલીસની પ્રતિષ્ઠા પર ઉઠી રહેલ સવાલોને લઈને આઈજીએ તપાસ કરી રહેલા એલસીબીના પીએસઆઈ કેકે ગોહિલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખી આઈજીએ ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોપી તાત્કાલિક રીપોર્ટ કરવા સુચના આપી છે. જો આ પ્રકરણની તટસ્થ તપાસ થાય તો હજુ બે ત્રણ પોલીસકર્મીઓ ચોક્કસ ઘર ભેગા થશે જ એમાં શંકા નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution