વડોદરા, તા. ૨

આજવારોડ પર ગત રાત્રે રિક્ષા પલ્ટી જવાના મુદ્દે થયેલી બોલાચાલીમાં યુવક પર હુમલો કરનાર ત્રિપુટીને જાહેરમાં ઉઘાડા પાડનાર નોકરિયાત યુવકની ત્રિપુટીએ ચાકુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. આ બનાવની જાણ થતા બાપોદ પોલીસે ગણતરીના સમયમાં ત્રણેય હત્યારાઓને ઝડપી પાડયા હતા.

આજવારોડ પર શાંતિનગરમાં રહેતો ૨૩ વર્ષીય આદર્શ રાજબહાદુર શર્મા એલ એન્ડ ટી નોલેજ સિટીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. ગઈ કાલે રાત્રે તેના નાનાભાઈ અમન સાથે બાઈકમાં પેટ્રોલ ભરાવવા નીકળ્યો હતો. આ દરમિયાન સરદાર એસ્ટેટ જેપીનગર પાણીની ટાંકી પાસે રિક્ષા પલ્ટી જતા જેપીનગરમાં રહેતા હેમંત જીવણભાઈ રોહિત સહિતનું ટોળું ઉમેશ નામના યુવક સાથે ઝઘડો કરી તેને ધક્કે ચઢાવતું હતું. બંને ભાઈઓ આ ઝઘડો જાેવા ઉભા રહ્યા હતા જેમાં ઉમેશ તેઓના પાડોશમાં રહેતા મિતેશ રાજપુતનો મિત્ર હોઈ બંને ભાઈઓએ તુરંત મિતેશ રાજપુતના ઘરે જઈ તેને બનાવની જાણ કરી હતી અને તેને લઈને તેઓ ફરી ઝઘડો થતો હતો ત્યાં આવ્યા હતા.

ઝઘડાનું કારણ જાણ્યા બાદ મિતેશ તેના મિત્ર ઉમેશને ઠપકો આપતા હતા તે સમયે હેંમત રોહિતે જણાવ્યું હતું કે મિતેષ તારા મિત્ર ઉમેશને અમે મારથી બચાવ્યો છે. ઉમેશની વાત સાંભળતા જ આદર્શે તેને જાહેરમાં ઉઘડો પાડતા જણાવ્યું હતું કે તમે પણ આ ઉમેશને મારતા જ હતા ને ? . આ વાત સાંભળથા જ હેંમત અને તેના મિત્રોએ આદર્શ પર હુમલો કર્યો હતો અને હેંમતે તેના છાતીમાં હૃદય પાસે અને પેટમાં ચાકુના ઘા ઝીંકયા હતા. ઈજાગ્રસ્ત આદર્શને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પુત્રના હત્યાના બનાવની આદર્શના પિતાએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના ત્રણ આરોપીઓ જેપીનગરમાં રહેતા હેમંત જીવન રોહિત, રાજુ રમેશ તડવી અને ભાવેશ અરવિંદ વાઘેલાની ધરપકડ કરી હતી.