વડોદરા, તા. ૪

વડોદરા કોર્પોરેશન દબાણ શાખા ની ટીમ દ્વારા ફરી એક વખત પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ફરતે,સીદ્ધનાથ રોડ અને કિર્તીસ્તંભ વિસ્તારમાં ગેરકાયદે લારી-ગલ્લા વગેરેના દબાણો દૂર કરી ગંદકી ફેલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા અને પોલીસ વિભાગની રહેમનજર હેઠળ મુખ્ય કચેરીની આસપાસ જ ઉભી રહેતી લારીના કારણે અનેક વખત ટ્રાફીક જામ થતો હોંવા છતા પોલીસ દ્વારા પણ આંખ આડા કાન કરાય છે. જાેકે, કીર્તિસ્તંભ પાસે આમલેટની લારીના સંચાલકે વીજ કંપનીની ડી.પી.ની ફરતે લગાવેલી ફેન્સીંગની અંદર જ ખુરશી-ટેબલો અને બેટરી સહિતનો સામાન મુકીને કબજાે જમાવી દીધો હતો. પાલિકાની દબાણ શાખાની ટીમે સ્થાનિક ભાજપના કાઉન્સિલરો સાથે આ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે સ્થાનિક કોર્પોરેટરોને સાથે ખંડેરાવ માર્કેટ, સિધ્ધનાથ રોડ અને કીર્તિસ્તંભ વિસ્તારમાં લારી-ગલ્લાના દબાણો દૂર કરી ગંદકી ફેલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. કોર્પોરેશન દ્વારા છ લારીઓ, ખુરશીઓ, તંબુનો સામાન સહિતનો સામાન કબજે કરી સાત બેદરકારો પાસેથી પ્રત્યેકને ૫૦૦ના દંડની વસૂલાત કરી હતી. બપોરે ફરી કેટલાક ટેમ્પા દેખાતા પોલીસે ૮ ચાલકોને મેમા આપ્યા હતા.