દુબઇ 

IPLની 13મી સીઝન દુબઇમાં ચાલી રહી છે જ્યાં કિંગ્સ ઈલવેન પંજાબની માલિક અને એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પણ ટીમ સાથે હાજર છે. પ્રીતિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે ખુદને કોવિડ ટેસ્ટ ક્વીન ગણાવી છે. આવું એટલા માટે કે તે દુબઇ પહોંચ્યા પહેલાંથી લઈને 20 ઓક્ટોબર સુધી 20 વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે. દરેક વખત રિઝલ્ટ નેગેટિવ જ આવ્યું છે.


પ્રીતિ 15 સપ્ટેમ્બરથી UAEમાં છે. પ્રીતિએ આ વીડિયો સાથે લખ્યું છે, દરેક મને પૂછે છે કે IPL બાયો બબલમાં હોવાનો અર્થ શું છે. તો હું જણાવવા ઈચ્છું છું કે આ 6 દિવસના ક્વોરન્ટીનથી શરૂ થાય છે. દર 4 દિવસે કોવિડ ટેસ્ટ થાય છે. કોઈ બહાર નથી જતું, તમારો રૂમ, ગાડી, રેસ્ટરાં, જીમ અને સ્ટેડિયમ બસ. ડ્રાઈવર, કુક પણ બાયો બબાલમાં છે. બહારનું જમવાનું, લોકોને મળવાનું બંધ છે. મારા જેવા લોકો માટે આ અઘરું છે પણ હું બધા વોરિયર્સનો આભાર માનું છું જેને કારણે મહામારી વચ્ચે IPL થઇ શક્યો છે. 


બબલી ગર્લના નામથી ફેમસ પ્રીતિ આ સીઝન દરમ્યાન સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢતી પણ દેખાઈ હતી. જ્યારે તેણે દિલ્હી સાથે થયેલી મેચમાં અમ્પાયરિંગ પર ટ્વીટ કર્યું હતું. 21 સપ્ટેમ્બરે તે ટ્વીટ કરવા સુધીમાં પ્રીતિએ 5 વખત કોવિડ ટેસ્ટ કરાવ્યા હતા. આ વાત લખીને તે બોલી હતી કે એક શોર્ટ રને મને કોવિડ ટેસ્ટથી ઘણી વધુ તકલીફ આપી. કિંગ્સે સતત 3 મેચ જીતતાં અને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-5માં પહોંચવાની ખુશી પ્રીતિ ઝિન્ટના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી