દિલ્હી-

પંજાબની લુધિયાણા કોર્ટે આમ આદમી પાર્ટીનાં સાંસદ સંજય સિંહ સામે અરેસ્ટ વોરન્ટ જારી કર્યું છે. શિરોમણી અકાલી દળનાં નેતા બિક્રમ મજીઠીયા દ્વારા તેમની વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ લુધિયાણા કોર્ટે સંજય સિંહ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. મજીઠીયાનાં વકીલ દમણ દીપે કહ્યું કે, સંજય સિંહ સોમવારે કોર્ટમાં હાજર થયા ન હોતા. ત્યારબાદ કોર્ટે પોલીસને સંજય સિંહની ધરપકડ કરીને 17 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ કેસમાં અત્યાર સુધી કોર્ટમાં 71 તારીખો પડી છે, જેમાંથી સંજય સિંહ માત્ર ચાર વખત કોર્ટમાં હાજર થયા છે. આજે પણ જ્યારે તેમના વકીલ કોર્ટમાં આવ્યા ત્યારે જજે સંજય સિંહની હાજરી વિશે પૂછ્યું. સંજય સિંહની ગેરહાજરીમાં ન્યાયાધીશે એક આદેશ બહાર પાડીને સાંસદને 17 સપ્ટેમ્બરનાં રોજ ધરપકડ કરવા અને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સંજય સિંહે 2017 માં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા 2016 માં મોગામાં એક રેલી દરમિયાન શિરોમણી અકાલી દળનાં નેતાઓને ડ્રગ સ્મગલર ગણાવ્યા હતા. આ પછી બિક્રમ સિંહ મજીઠીયાએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 2016 માં જ સંજય સિંહ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. આપ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓમાં હવે વધારો થઇ શકે છે. લુધિયાણા જિલ્લા અદાલતે સંજય સિંહ વિરુદ્ધ ધરપકડનો આદેશ આપ્યો છે. હવે તેમણે પોતે કોર્ટમાં હાજર થવું પડશે અથવા પોલીસ તેમની ધરપકડ કરી શકે છે. જણાવી દઇએ કે, કોર્ટે શિરોમણી અકાલી દળનાં નેતા બિક્રમ સિંહ મજીઠીયા માનહાનિ કેસમાં ધરપકડ વોરંટ જારી કર્યું છે.