અમદાવાદ-

તાજેતરમાં બનેલી લૂંટ અને હત્યાની અનેક ઘટનાઓ પરથી જ તસ્કરો કે ગુનેગારો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.ત્યારે અમદાવાદના નરોડમાં એક પોલીસકર્મીના ઘર બહારથી સરકારી બાઇક ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે.નરોડા પોલીસે આ અંગે સરકારી બાઇકની ચોરી થઈ હોવાથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડામાં રહેતા રઘુવીરસિંહ ગોહિલ અમદાવાદ શહેર અનાર્મ પોલીસ દળમાં નોકરી કરે છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી પોલીસ કમિશનર કચેરીમાં આવેલી વિશેષ શાખા માં મ.સ.ઇ તરીકે ફરજ બજાવે છે. હાલમાં તેઓ નરોડા અને કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં વોચર્સ તરીકે ફરજ બજાવે છે. તેઓને વિશેષ શાખા તરફથી 50 હજારની કિંમતનું એક સરકારી બાઇક આપવામાં આવ્યું હતું. રવિવારે તેઓ નોકરી પુરી કરીને ઘરે ગયા હતા. બાદમાં સોમવારે સવારે નોકરીમાં સમયે તેઓ ઘરેથી નિકળયા હતા. ઘર બહાર પાર્ક કરેલું સરકારી બાઇક જ્યાં પાર્ક કર્યું હતું ત્યાં જણાયું નહોતું. બાદમાં તેઓએ આસપાસમાં તપાસ કરી હતી પરંતુ મળી આવ્યું નહોતું. જેથી આ સરકારી બાઇક ચોરી થયું હોવાનું માની તેઓએ નરોડા પોલીસને જાણ કરી હતી. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી સરકારી બાઇક હોવાથી તાત્કાલિક બાઇક શોધવા ટિમો કામે લગાડી છે. તાજેતરમાં ઉપરા છાપરી હત્યાના બનાવ બન્યા હતા. બાદમાં લૂંટ અને અન્ય ગુના પણ પૂર્વ વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયા હતા. બીજીતરફ અનેક લોકોની ઇકો ગાડીના સાયલન્સર ચોરીના કિસ્સા પણ બનવા પામ્યા હતા. ત્યારે હવે સરકારી બાઇક જ ચોરી થતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.