17, સપ્ટેમ્બર 2025
2178 |
ગાંધીનગર કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી એક સપ્તાહમાં ફરી એક વખત આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત રાજ્યના શહેર-જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિરમાં ફરી વખત ઉપસ્થિત રહીને સંગઠનના પાઠ ભણાવાશે.કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં સંગઠનને મજબૂત બનાવવા માટે સંગઠન સૃજન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનો સૌ પ્રથમ પ્રારંભ ગુજરાતમાંથી કરાયો છે. જેના અંતર્ગત ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ શહેર અને જિલ્લા પ્રમુખો માટે તા. ૧૦ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત કોંગ્રેસનાં શહેર-જિલ્લા પ્રમુખોને સંગઠન સંદર્ભે પ્રશિક્ષણ અપાય રહ્યું છે. આ પ્રશિક્ષિણ શિબિરમાં ગત તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસનાં શહેર-જિલ્લા પ્રમુખોને સંગઠનના પાઠ ભણાવ્યા હતા. ત્યાર બાદ ફરી એક વખત રાહુલ ગાંધી આવતીકાલે જૂનાગઢ આવી રહ્યા છે. જેના અંતર્ગત આવતીકાલે બપોરે ૧૨-૩૦ કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યાર બાદ તેઓ મોટર માર્ગે જૂનાગઢ જવા રવાના થશે. આ દરમિયાનમાં વંથલી ખાતે અને જૂનાગઢના કાળવા ચોક ખાતે એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ બપોરે બે કલાકે જૂનાગઢનાં ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણા ધામ આશ્રમમાં ચાલી રહેલી શહેર-જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહીને સંગઠનના પાઠ ભણાવશે.