રાહુલ ગાંધીનો આરોપ: ચીનના ચાર ટેન્ક કૈલાશ રૅન્જ પર ચઢી રહ્યા હતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ફેબ્રુઆરી 2026  |   2673


નવી દિલ્હી, સંસદમાં બજેટ સત્રમાં આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. તેમણે ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રના મોટા મંત્રીઓએ ઊભા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધીએ કારવાંના પુસ્તક અને પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના ડોકલામ અંગેના પુસ્તકનો હવાલો આપતાં જ મામલો બીચક્યો હતો અને સંસદમાં હોબાળો મચી ગયો હતો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો વધી જતાં લોકસભાને ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ લોકો કહે છેકે, અમે આતંકવાદ સામે લડીએ છીએ પણ એક તથ્યથી ડરે છે. પુસ્તકમાં એવું તો શું છે જેને અમે ન વાંચી શકીએ. અમને વાંચવા તો દો. તેમાં એ તમામ હકીકતો જણાવાઈ છે જે ડોકલામમાં ઘટી હતી. આ પુસ્તક આર્મી જનરલ નરવણેએ જ લખ્યું છે. બસ આ વાત પર રાજનાથ સિંહ ભડક્યા અને તેમણે કહ્યું હતું કે, જાે નરવણેને લાગતું હતું કે રોક લગાવાઈ છે તો તેઓ કોર્ટ જઈ શકતા હતા. તેઓ કોર્ટ કેમ ન ગયા? રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીનના ટેન્ક કૈલાશ રેન્જ પર ચઢી રહ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન સામે પણ હોબાળો થવા લાગ્યો હતો.

ચીનની ઘૂસણખોરી મુદ્દે રાહુલ ગાંધીએ સંબોધન શરુ કરતાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, જે માહિતી પ્રકાશિત ન થઈ હોય તેનો ઉલ્લેખ તમે અહીં ન કરી શકો. જે બાદ કોંગ્રેસના સાંસદોએ ભારે વિરોધ કરતાં કહ્યું હતું કે, હજુ રાહુલ ગાંધીએ બોલવાનું શરુ જ કર્યું છે.

રાજનાથ સિંહે આક્રોશમાં કહ્યું હતું કે, તમે જે પુસ્તકની વાત કરો છો તે પ્રકાશિત થઈ જ નથી. જે બાદ કોંગ્રેસના સાંસદોએ કહ્યું હતું કે, આ માહિતી મેગેઝીનમાં આવી ગઈ છે. સંસદમાં અગાઉ પણ મેગેઝીનના ક્વોટ બોલવામાં આવ્યા છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું હતું કે, તમે સ્પષ્ટતા કરો કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? મેગેઝીન તો કશું પણ લખી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું માત્ર ૫ જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ વિશે વાતો કહી છે. ત્યાર પછી સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, સંસદની કાર્યવાહી સાથે જાેડાયેલી ન હોય તેવી પુસ્તકનો કોઈ ઉલ્લેખ અહીં ન કરી શકો.

રાહુલ ગાંધીએ એક મેગેઝિનના લેખને ટાંકીને વાત કરી. આનાથી ટ્રેઝરી બેન્ચમાંથી પણ હોબાળો થયો. સંરક્ષણ મંત્રીએ વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે, તેમને આવું કરવાની મંજૂરી ન આપવી જાેઈએ. ચીનના મુદ્દાને સંવેદનશીલ ગણાવતા અખિલેશ યાદવે કહ્યું હતું કે, જાે કોઈ સૂચન રાષ્ટ્રીય હિતમાં હોય, તો વિપક્ષના નેતાએ તે વાંચવું જાેઈએ. ડૉ. લોહિયાથી મુલાયમ સિંહ યાદવ સુધીના ઉદાહરણો આપતા અખિલેશે કહ્યું હતું કે, આપણે ચીન સામે સાવધ રહેવું જાેઈએ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution